56 - આંસુની સગાઈ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
ઓ રે ઓ રે મીરાંબાઈ,
તારે મારે આંસુની સગાઈ.
કેટલાં મારે નિકટ સગાં,
ગુણકા, નાઈ, કસાઇ;
પંડ પીજરા ને વ્હાલ વાણોતર,
જાય ઉરે ઊભરાઈ :
ઓ રે ઓ રે મીરાંબાઈ,
તારે મારે આંસુની સગાઈ.
એકથી અળગા જોઉં અનેકે
એકની લેહ લગાઈ;
એની વ્યથા, ઓ રે એની મથામણ,
એની કથા રહું ગાઈ :
ઓ રે ઓ રે મીરાંબાઈ,
તારે મારે આંસુની સગાઈ.
સર્વ મહીં મેં તુજને માની
બેન મારી, હું ભાઈ;
એક મંજીરાની વાટકડી દોય
રંગ દઈએ પાઇ :
ઓ રે ઓ રે મીરાંબાઈ,
તારે મારે આંસુની સગાઈ.
જેટલો નિકટ એટલો નિઠુર,
જનમોજનમ સાંઈ;
આમ લગી મર, આપણ રહીએ
ગુણ ગોવિંદના ગાઈ :
ઓ રે ઓ રે મીરાંબાઈ,
તારે મારે આંસુની સગાઈ.
0 comments
Leave comment