57 - મીરાં પાછી દો ને / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
રાણોજી કહે છે -
મીરાં પાછી દો ને !
એને મઢીશ સાવ સોને :
રાણોજી કહે છે -
મીરાં પાછી દો ને !
મૂલ ન જાણ્યાં ન મીરાં કેરાં :
વાદળ વીખરાણા છે ઘેરાં :
તેજ તપે છે આજ અનેરાં :
આંનદ આજ અમોને.
રાણોજી કહે છે -
મીરાં પાછી દો ને !
મીરાં સંગે ભજનો ગાશું :
પ્રેમપિયાલા પીશું પાશું :
હસતાં રમતાં વ્રજમાં જાશું :
રીઝવશું જ તમોને.
રાણોજી કહે છે -
મીરાં પાછી દો ને !
દ્વારિકાના રાજા બોલ્યા -
રાણા, તેં અંતરપટ ખોલ્યા :
ભારે બાઈ મીરાંને મોલ્યાં !
ખેલવવાં છે ખિલોને !
રાણોજી કહે છે -
મીરાં પાછી દો ને !
એમ મળે નહીં મંગળ મીરાં :
નવ લખ ચીર કરી દે ચીરા :
લઈ લે તારે કર મંજીરાં :
રોમરોમ તું રો ને !
રાણોજી કહે છે -
મીરાં પાછી દો ને !
0 comments
Leave comment