58 - સહુ તોલે હરિને / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
સહુ તોલે હરિને આહીં
ત્રાજુડાની ત્રેવડે હો જી :
એવો વીરલો ભગત કોઈ ભાઈ,
જે ત્રાજવડે ચડે હો જી.
પંચમહાભૂત પૂતળું ને વળી એ પર નહિ અધિકાર;
ત્રાજવાં તોલાં એનાં વામણા, એથી તોલવા જગદાધાર !
એવાં કરતૂક અવળાં કાંઈ,
એ આતમને નડે હો જી.
મનમાયાનો મ્હેલ બનાવી અને આપ બને આધાર;
અવળમતિયાં એ શું લહે, કેવો દુનિયાનો કિરતાર !
એની ધૂંવે ભરેલી ધાંઈ,
શું પરખે એ વડે હો જી ?
આપને માની અળવીતરું, એને તજે તણખલા પેર,
નિજને ભૂલી ગ્રહે પાવલાં જે હરિવરનાં ભગતિ ભેર,
એને એને અચળ અમરાઈ
સરોદ કહે સાંપડે હો જી.
0 comments
Leave comment