59 - કઠણ કરમનો ભારો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


એમ ઉતાર્યો ભારો
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.

સ્વામી મંદિરનો મોટો મહંત એ,
    મોટપથી રહે ન્યારો રે હો જી;
દામો કુંડમાં સ્નાન શું સંચર્યો,
    સાથ સાધુ સથવારો.
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.

સ્નાન કર્યું કે કંઇ ટાઢ ચઢી એવી,
    એનો ન આરોવારો રે હો જી;
સંત પુરુષને ખેમની ખેવના,
    ખેલ એ ખેલનહારો.
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.

સાધુમંડળને સ્વામી કહે, તમે
    લાવો લકડિયાંનો ભારો રે હો જી;
અંગ શેક્યા વિણ શીતે કંપતા
    દેહનો નથી ઉગારો.
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.


બાઉદીન લાડલી કરગઠ વીણવા
    ખૂંદી વળે ગિરનારો રે હો જી;
ભાઈ ને બેનનો આજ અચાનક
    ચમક્યો ભાગ્યસિતારો.
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.

લાડલી કહે, એલા બાઉદીન, જોઈ લે
    આ છે ફિરસ્તો ખુદારો રે હો જી;
ટાઢથી ધ્રૂજતા સ્વામી ચરણે
    ઠલવી દે ભાર તારો.
     ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.

ભારો ઠલવી કરગઠ ચેતવ્યાં કે
    બોલ્યો સ્વામી સહજારો રે હો જી;
ભાઈ ને બેન, તમે કઠણ કરમ કેરો
    ભાર ઉતાર્યો તમારો.
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.

લાડલી બેગમ રાજ કરે અને
    બાઉદીન વજીર દુલારો રે હો જી;
જૂનાગઢની જોગી જમાતમાં
    ગુણાતીતાનંદ ન્યારો
    ગુણાતીતે એમ ઉતાર્યો એનો ભારો રે હો જી.


0 comments


Leave comment