60 - સસલાનો પોકાર / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
સુરત શહેરમાં ગાંધી બગીચો ને બાગમાં પિંજરા ચાર;
પિંજરે પૂર્યાં સસલાં સુંદર, કરતાં આર્ત પોકાર:
વ્હાલા, તમે વેગે આવો,
આવી, હરિ, અમને બચાવો.
તાપી નદીનાં હૂકળી હાલ્યાં પાણી અપરંપાર;
કોટ કિલ્લાનો તોડી પાડ્યો, આવ્યાં છે બાગ મોજાર
લગોલગ પિંજરા પાસે :
નિહાળીએ ઊંચે શ્વાસે.
પાસમાં ઊભો તોતિંગ વડલો, તેય શું ડોલા ખાય !
મૂળિયાં એનાં કિચૂડ બોલે, નમતો નમતો જાય;.
એ પડશે પિંજરા માથે :
જોવું રહ્યું આંખ અનાથે.
કોણ આવી અમ ખામણું પૂરે ? તરસે જાય છે પ્રાણ;
કોઈ આવી શકે બાગમાં ન્હૈં, એવી રેલની લાગી આણ :
આ મરવું કેવું અકારું !
જીવવુંય કેવું ખારું !
વેંત જ દૂર છે પૂરનાં પાણી, કેમ ઓલવવી લ્હાય ?
વચમાં સળિયા કારમા ઊભા, પડશે વડલો હાય !
હરિ, આધાર તમારો;
અબળને, ઈશ, ઉગારો.
સમરાગણમાં આપે ઉગાર્યાં ટીટોડીનાં બાળ;
યુદ્ધ આખું એને ઘંટથી ઢાંકયાં, એમ કરી રખવાળ :
માંજારીનાં બાળ ઉગાર્યાં;
નિભાડાના અગનિ ઠાર્યાં.
એટલામાં તો વડલો તૂટ્યો વેંત બે વેંત જ દૂર;
પડવાથી એનાં છલક્યાં પાણી, ખામણું થયું ભરપૂર:
તૃષાતુર સસલાં પીએ;
ઉગાર્યાં એમ હરિએ.
પૂર પછી તો ઓસરિયાં અને બાગ બન્યો રળીયાત;
વજ્ર કઠોર કુસુમથી કોમળ ઈશ જોયા સાક્ષાત :
સરોદ હરિને યાચે,
રહેજો મન વર્તન વાચે.
0 comments
Leave comment