61 - ચલો વરેમંડ વાટડીએ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
મન, ચલો વરેમંડ વાટડીએ.
બહુ બેઠા હિરદા હાટડીએ,
મન, ચલો વરેમંડ વાટડીએ.
નફા ખોટના કરી વેપલા, ખોયો અમૂલ અવેજ;
વધાવવી આખર એ પડશે, એ જ હાટનો ફેજ :
છે પીડ પંડની પાટડીએ,
મન, ચલો વરેમંડ વાટડીએ.
કાંટો માંડ્યો કરમ તણો, એનાં મર્યાદિત છે માપ;
એક જ ઠેલે ઓછુંવતું, આખર રહે બળાપ :
કંઇ મળે ન કરમી કાંટડીએ,
મન, ચલો વરેમંડ વાટડીએ.
બાવન કેરી બજાર તો અવ દીસે બાળનો ખેલ;
અપરંપાર ગણાતું હાંસલ, ખરે હાથનો મેલ :
છે આંટાઘૂંટી આંટડીએ,
મન, ચલો વરેમંડ વાટડીએ.
મુકતમને ફરવું, નવ જ્યાં હો કયહીં બેસણાં સ્થિર;
ધરમ કરમની મેલી મમતને ફરતા થવું ફકીર :
અવ ઝૂલો ખલકની ખાટડીએ,
મન, ચલો વરેમંડ વાટડીએ.
0 comments
Leave comment