62 - સોના – વાટકડી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


રૂડાં કંકુ ને કેસર ધોળો રે,
    મળી આ સોના-વાટકડી:
એને ધૂળ મહીં ન ધમરોળૉ રે,
    મળી આ સોના-વાટકડી,

સોના- વાટકડીમાં હીરા છે જડિયા,
કંકુ કેસર કેરા કૂંપા સાંપડિયા;
એવી સામગરી તરણે ન તોળૉ રે,
    મળી આ સોના-વાટકડી.

લઈ આ વાટકડીને મંદિર જાવું,
હરિને છે હરિ કેરા ભગતે ચરચાવું;
બીજાં સાધન ખાલી ન ખોળો રે,
    મળી આ સોના-વાટકડી.

વાટકડીએ હરિમંદિર સોહે,
નીરખી શોભા એ હરિનુંય મન મોહે
એવી છલકાવો છત કેરી છોળો રે,
    મળી આ સોના-વાટકડી.


0 comments


Leave comment