18 - કમળ-સ્પર્શની થઈ અસર આંગળીમાં / મનોજ ખંડેરિયા


કમળ-સ્પર્શની થઈ અસર આંગળીમાં
દિવસ-રાત ગૂંજે ભ્રમર આંગળીમાં

જરા ઝાલો લઈ જઉં અજાણ્યા પ્રદેશે –
ક્ષિતિજ પાર જાતી ડગર આંગળીમાં

હવે ટેરવે ટેરવે આંખ ઊગી,
ફૂટી હો ન જાણે નજર આંગળીમાં

હથેળી સુગંધોથી છલકાયા કરતી,
ઊઠે છે મલયની લહર આંગળીમાં

કહી પ્હાડ ઝીલ્યો હતો એક એની-
હજી આજ કેવી અસર આંગળીમાં

પ્રગટવા મથે સ્પર્શથી પંગુ ભાષા,
ફફડતા રહ્યા કંઈ અધર આંગળીમાં

લખાયા પહેલાં જ પોઢી ગયેલા,
ઘણા શબ્દની છે કબર આંગળીમાં

મને મારી ઓળખની દઈ દે પ્રતીતિ !
જવું કેમ વીંટી વગર આંગળીમાં ?

કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ !
વણાતી રહી હર પ્રહર આંગળીમાં


0 comments


Leave comment