63 - ફૂલે ફૂલે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


એવી અચરજ નજરે પડી
    કે ફૂલે ફૂલે વેલ ચડી.

મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
    સુરતા જોગે જડી.
    કે ફૂલે ફૂલે વેલ ચડી.

ફૂલે ફૂલે વેલવિસામા,
સૌરભ સરણાં આવે સામાં;
સ્વાગત કાજે અગમ અનાહત
    નભનોબત ગગડી.
    કે ફૂલે ફૂલે વેલ ચડી.

ફૂલ ફૂલને સેરે સાંધે,
સુંદર સોહિલ સેતુ બાંધે;
વલ્લરી વાધે એમ વરસતી
    અવિરત ઓજસ ઝડી.
    કે ફૂલે ફૂલે વેલ ચડી.

હતી માત્ર કાઠાળી વેલી,
બની ફૂલવંતી અલબેલી;
સરોદ, એની મહેક મ્હેકતી
    ત્રિભુવન પાર અડી.
    કે ફૂલે ફૂલે વેલ ચડી.


0 comments


Leave comment