64 - દીવાસળી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
દીવાસળી
આ છે દીવાસળી,
આ કાયાની કાંડી રૂડી દીવાસળી.
જૂજ ઝાઝી શગતિ કેરો ગંધરક લગાડ્યો;
ઝીણી ને જાડી જ્યોતે રહે છે જળી. -
આ કાયાની કાંડી રૂડી દીવાસળી.
તનડું તપાવે ને એ મનડું મિટાવે;
જીવડો જલાવે એવી અગનકળી. -
આ કાયાની કાંડી રૂડી દીવાસળી.
કટોકટ કાઠી યા ને ટપકુંક જ્યોતિ;
જળતાં કરે છે દુનિયા એ ઊજળી. -
આ કાયાની કાંડી રૂડી દીવાસળી.
શગ સળગે છે એની સત રૂપ સાખી;
સમજી સરોદે અવિચળ જ્યોતિ રળી.-
આ કાયાની કાંડી રૂડી દીવાસળી
0 comments
Leave comment