65 - દીવડો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


દીવડો વ્રેમંડવાટે આવ્યો,
હો દીવડો અમર છે રે,
અમર છે.

દીવડો ભક્તજનોને ભાવ્યો,
હો દીવડો અમર છે રે,
અમર છે.

આ દીવડાની જ્યોત ગૂઢારથ જેમ રહે ઘટમાંય;
પરગટ જેવી થાય કે કાયા અંગ અંગ સોહાય :
દીવડો અક્ષર ઓજસ લાવ્યો,
હો દીવડો અમર છે રે,
અમર છે.

આ દીવડાને ઓલવી દેવા ચોગમ ઘન અંધાર;
ચંડ જળે, કદી મંદ જળે, નહીં જ્યોત ઠરે પળવાર :
દીવડો હરિવરનો પેટાવ્યો,
હો દીવડો અમર છે રે,
અમર છે.

આ દીવડાની જ્યોત તણો છે દાસ સરોદ પતંગ;
જ્યોંતે જળી જઈ પામવો એને શાશ્વત જ્યોતિ સંગ :
દીવડો વ્હાલપ વેણે વધાવ્યો,
હો દીવડો અમર છે રે,
અમર છે.


0 comments


Leave comment