66 - દીવડા ગિરનારી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


દીવડે ગિરનારી ગોખ સોહાય રે,
    દીવડા ગિરનારી ગિરનારી :
દીવડે દીવડો ઓજસ પાય રે,
    દીવડા ગિરનારી ગિરનારી.

આ જ્યોતિ નહીં તારલિયાની ઝબકી બૂઝી જાય;
આ જ્યોતિ નહીં સૂરજ સોમની અવિરત આંટા ખાય:
દીવડે અવિચળ જ્યોતિલ કાય રે,
    દીવડા ગિરનારી ગિરનારી.

ભરિયલ ભોમના અરક સમાં કંઈ લઈ સુગંધી કાઠ;
ધૂણી ધખવી અલખ તણી, એના જામ્યા ઠેરેર ઠાઠ:
દીવડે દિપોત્સવ ઊજવાય રે,
    દીવડા ગિરનારી ગિરનારી.

આ જ્યોતિથી ઝળહળતા કંઈ જતિ સતી ને સંત;
જ્યોતની માંડી માંડણી એણે લહ્યો અનંતનો અંત :
દીવડે ગિરિવર ફરતી ઝાંય રે,
    દીવડા ગિરનારી ગિરનારી.

સરોદ, દરશન કીજે જ્યોતના, હોવે પરમ ઉજાસ;
એ જ અલખની આરાધના, એ જ્યોતિ સંગે વાસ:
દીવડે ગત ગિરનારી ગવાય રે,
    દીવડા ગિરનારી ગિરનારી


0 comments


Leave comment