16 - નિરાળું નમણું નજરાણું છે મારી બંધ મુઠ્ઠીમાં / મનોજ ખંડેરિયા


નિરાળું નમણું નજરાણું છે મારી બંધ મુઠ્ઠીમાં
કદી ના ખૂટતું નાણું છે મારી બંધ મુઠ્ઠીમાં

ઊઠ્યો છે હર યુગે આ પ્રશ્ન કે અંદર ભર્યું છે શું ?
રહસ્યોનું અકળ થાણું છે મારી બંધ મુઠ્ઠીમાં

જરા ખૂલી જશે તો આભ આખું થઈ જશે ઝળહળ,
સુનેરી સાંજનું ટાણું છે મારી બંધ મુઠ્ઠીમાં

ખબર પડતી નથી કે ક્યાંથી સરકી જાય છે સઘળું ?
અદીઠું અજનબી કાણું છે મારી બંધ મુઠ્ઠીમાં

સતત ભટકું-પૂછું –ને શોધું છું ઘર જેનું વરસોથી,
લખેલું એનું ઠેકાણું છે મારી બંધ મુઠ્ઠીમાં

સઘન અંધારથી ક્યારેક ઘર ઘેરાય તો કહેજો,
ઊઘડતું વ્હાલનું વ્હાણું છે મારી બંધ મુઠ્ઠીમાં

હું ઘેરૈયો છું, રસ્તો રોકી આડો રંગ લઈ ઊભો,
ગુલાલે ગુંજતું ગાણું છે મારી બંધ મુઠ્ઠીમાં


0 comments


Leave comment