65 - મને અંત-વેળા એ છળતું રહ્યું / મનોજ ખંડેરિયા


મને અંત-વેળા એ છળતું રહ્યું
હવે મારું રથ-ચક્ર ગળતું રહ્યું

અરીસાના ઘર વચ્ચે આવી ચડ્યો
પ્રતિબિંબ મારું જ મળતું રહ્યું

પૂછો એને આનંદ ભીનાશનો
જે ગુલમ્હોર નીચે પલળતું રહ્યું

સૂની રાતની ખાલી સડકો ઉપર –
ભૂલું મૌન મારું રઝળતું રહ્યું

ઢળ્યો સૂર્ય, ચાંદરણું ચાલ્યું ગયું,
સ્મરણ એનું આ ઘર ચગળતું રહ્યું


0 comments


Leave comment