52.7 - અગોચર પગલાંની સફર / પગલાં તળાવમાં / ડૉ. સતીન દેસાઈ 'પરવેઝ'


મળવું જ હોયે જો મને ખુલ્લો થઈને મળ,
મારાય ચ્હેરા પર હવે એકેય પડ નથી.
     ગઝલ ભલેને શબ્દસહ અનાવૃત્ત થતી હોય, પણજ્યાં સુધી તેનો ભીતરી ગર્ભ નખશિખ પ્રાગટ્યનો મહિમા ન કરે, ત્યાં સુધી તેનું અનુસંધાન દર્શન-ચેતનાને વરતું નથી. આવી પ્રબળ અનુભૂતિનો અહાલેક ઉપર્યુક્ત શેરમાં જગાવી અશોક ચાવડા 'બેદિલ' નખશિખ અનાવૃત્ત જાત સંગે પ્રથમ ગઝલસંગ્રહ 'પગલાં તળાવમાં'ને દબદબાભેર અનાવૃત્ત કરે છે. પરંતુ ગઝલમાં મુખોમુખ થવાના અવસરને એકમાત્ર બ્રહ્મજન્ય ખુલાસીને નૈસર્ગિકતામાં જ સ્વીકારવાની તૈયારી દાખવે છે. 'બેદિલ'ની કાવ્યચેતના વાસ્તવના પ્રગાઢમાંથી દર્પણમય હૂ-બ-હૂ પ્રગટે છે. આ ચૈતન્યવિહારીને માણતા માણતા ઉર્દૂના શાયર જિગર મુરાદાબાદીની ફન્ની શખ્સિયતનું સ્મરણ થયા વિના રહે ખરું!
તકલ્લુફ સે તસન્નો સે બરી હૈ શાયરી મેરી,
હકીકત શેર મેં જો હૈ વહી હૈં જિંદગી મેરી.
(જિગર મુરાદાબાદી)
     (અર્થાત્ ઔપચારિકતા અને બનાવટથી મારી શાયરી પરછે. શે'રમાં જે સત્ય ગુપિત છે એ જ મારી જિંદગી છે.)

    પારદર્શક ગઝલ-સંવિધાનનો આ સાધક, પ્રકૃત્તિપરિસ્થિતિ, અનુભૂતિ, ભાવજગતઅને નિરૂપણની પ્રત્યેક કડીમાં અવિભાજ્ય અવસ્થાને ગૂંથે છે. વિભિન્ન ભાવવિશ્વના વિહાર વચ્ચે પણ આત્મજાગૃતિના સઘન પરિણામો સાધી ભાવઐક્યમાં જ ગઝલના અંતિમને તાકે છે.
શ્વાસમાં છું, રક્તમાં છું, હુંજ નખશિખ છું ત્વચા,
તું મને શી રીત તારાથી અલગ કરશે પ્રિયે.

    'પગલાં તળાવમાં'ની એકાવન ગઝલના હમસફર થતા ભાવકને નિશ્ચે એ પ્રતીતિ થશે જ કે આ સર્જક આત્મપ્રતીતિ અને આત્મસંકલ્પનો જીવ છે. જે પ્રતીતિના ચરમ સાધ્યા પછી પણ 'સ્વ'ના મૂળાધાર સિવાય અન્ય તત્ત્વના પરિણામજન્ય અસ્તિત્વને નકારે છે એથી જ એમના કેટલાક અશઆરમાં આવા સંવેદનના ગૂઢાર્થ પ્રગટે છે...
તોરણ બનીને ઝૂલવાનો બારસાખ પર,
હું પાંદડાનો જીવ છું લાચાર થડ નથી.
*
એકાદ જડ રહી જતાં ઘનઘોર થૈ જઈશ,
હું કલ્પવૃક્ષ છું મને જડથી ઉખાડ તું.
*
દીવો લઈને હાથમાં શોધો નહીં મને,
વાતાવરણમાં હું વસેલો છું તમસ થઈ.
*
જડમૂળથી કોઈ ઉખેડી ના શક્યું મને,
'બેદિલ' ઉખેડ્યો આખરે મારી જડે મને!

    આમેય સ્વકીય બળે સર્જકતાના ભેખધારીને કોઈ પૂર્વસિૂરઓેની છાયાનું અનુસરણ ક્યારે ખપે છે! તેનો આત્મપ્રકાશ તેને લખ્યા ભાગ્યલલાટે નિરંતર ઝળહળતો જોવા જડે છે. જેમ ઉર્દૂ શાયર ગોપાલ મિત્તલ કહે છે -
ગૌર સે દેખ નવિશ્તા મેરી પેશાની કા,
જો મેરે અઝમ સે ઊભરી હૈ વો તહરીર ભી દેખ.
     (અર્થાત્ - મારા લલાટ પર ચિત્રિત લિખાવટનેધ્યાનથી જો, કારણ એ લિખાવટ મારા પ્રબળ સંકલ્પથી જ ઊભરી છે.)

    પ્રબળ આત્મ સંકલ્પના બળે લલાટે ગઝલચિતાર કરવામાં 'બેદિલ' નિઃસંદેહ સાફલ્ય પામ્યા છે. જેના સમર્થક પરિબળોનો વ્યાપ એમની ગઝલોમાં એવો તો ફૂલ્યોફાલ્યો છે કે તેમનું સંવેદનવિશ્વ અગણિત દિશાઓમાં દૃષ્ટિગોચર થાય છે.
     કેટલાક શે'ર પ્રમાણીએ :
ઇતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે;
પણ શું કરું? ઇતિહાસ તો પાનામાં બંધ છે.
*
ક્યાં રોકાશું? રસ્તો ક્યાંનો? કંઈખબર ના,
ક્યાંક કલમ, કાગળ ને ખડિયા લઈને ચાલ્યા.
*
રોકાયાં'તાંવાદળ ખાલી બે પળ માટે,
આ વખતે પણ છતનાં નળિયાં લઈને ચાલ્યાં.
*
આજ ફરી માટીની ભીંતો ગોઠવવી છે,
આજ ફરી પડઘાયા છે વાદળના પડઘા.
*
એક દિવસ દરવાજો તોડીને નીકળશે,
અંદરથી અથડાતી આ સાંકળના પડઘા.
*
કરી ગયો છે બધું રાખ એકલો તણખો,
ફક્ત વહી'તી હવાઓ જરૂરિયાત મુજબ.

    ઉપર્યુક્ત અશઆર સૂચવે છે કે 'બેદિલ'નું વાસ્તવદર્શી ભાવજગત શબ્દ-સ્વર-રાગ અને પ્રતીક-કલ્પનના અનેકાનેક સંદર્ભોને એકસાથે ચકાસે છે, ઉઘાડે છે. ઇતિહાસ લઈ રહસ્યચેતના સંકુલમાં વિહરે છે, તો ક્યાંક પડઘાતા વાદળને પરિણામલક્ષી બનાવવા માટીની (પિંડની) ભીંતો રચી આત્મસમર્પણના અવસર રચે છે, તો ક્યાંક ભીતર સજ્જડ ભીડેલા આત્મનાદને દ્વાર તોડી ભાગી નીકળવાનું સંકલ્પબળ સૂચવે છે તો ક્યાંક વાદળનાં ક્ષણાર્થ આતિથ્યને નળિયાની ભેટ ધરે છે, તો ક્યાંક એક તણખામાં જ પિંડને ભસ્મીભૂત કરતી હવાનું આલેખન કરે છે.

    આ અકળ-સકળ તત્ત્વસંવિધાનનો એકાકાર સાધીને આસર્જક જંપતો નથી. પરંતુ સ્થૂળ આસ્તિકતાના પ્રમાણોને તેના સ્થાપિત ઐશ્વર્ય સંદર્ભે છડેચોક પડકારે છે-
મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
*
લાંબી ઉમરની જે દુઆ કરતો હતો સદા,
એ આદમી મરી ગયો કાલે નમાજમાં.
*
મારી કનેય આપવા જેવું કશું ન'તું,
મેં રામનામ દઈ દીધું પાછું ફકીરને.
*
હવે તું આવ, આવીને રહે ઘરની દીવાલોમાં,
હું આવું કેમ મસ્જિદે પયંબર થાક લાગે છે.
    
    ઉર્દૂ સાહિત્યના આ અભ્યાસુને, ફકીર-નમાજ-પયંબર-મંદિર-ઈશ્વર જેવા શ્રદ્ધેય પ્રતીકો તેમની વક્રોક્તિ (Paradox) માટે સહજ ઉપલબ્ધ છે. ગઝલમાં પૂર્વસૂરિઓએ જે તે પ્રતીકનો અવારનવાર વિનિયોગ કર્યો છે ખરો, પરંતુ બહુધા તેઓ ઉર્દૂત્વનું છાયાનિરૂપણ કરવામાં જ સફળ નીવડ્યા છે, જ્યારે 'બેદિલ'ની કમાલ તેના ચમત્કૃતિજન્ય નિરૂપણમાં કૉળે છે. આ સંદર્ભે એમનો અંદાઝેબયાં નોંધપાત્ર છે. આ તબક્કે એક જાણીતો શે'ર જોઈએ :
પંડિતજી થાક્યા હો તો હવે હું ગઝલ કહું,
આવ્યો ન કૈં જ સ્વાદ મને તો ગનાનમાં.
(રાજેન્દ્ર શુકલ)
     આ શે'રસંવિધાન ચકાસતા જણાશે કે પંડિતના સુદીર્ઘ બયાનાત પશ્ચાત્ ઉપર્યુક્ત સર્જકને પંડિતાઈની બેસ્વાદ અજ્ઞાનતાનો અહસાસજન્ય સ્પર્શ સાંપડે છે.

    જ્યારે 'બેદિલ' મસ્જિદ-પયંબરના નિર્જીવ ચરિત્ર અનુસંધાનને પહેલેથી જ મૂળસોતું પામીને પયંબરને મસ્જિદમાં નહીં પણ નિજઘરની દીવાલોમાં (પિંડ મધ્યે) સજાગ આવાસી થવા ચેતવે છે. આ સંદર્ભે ડૉ. ઇકબાલનો શે'ર ટાંકી શકાય...
મસ્જિદ તો બના દી શબભર મેં ઇમાંકી હરારતવાલોંને,
દિલ અપના પુરાના પાપી હૈ બરસોં સે નમાજી હો નસકા.

    આમ, ઉપર્યુક્તશે'ર ચયનમાં આપણને ઇકબાલ જેમ 'બેદિલ'માં પણ જીવંત સર્જન સમૃદ્ધિનો સ્પર્શ થાય છે. તો વળી, વાસ્તવના મૂળાધારે વિકસતો-વિલસતો સર્જક મૂળાધારથી ચલાયમાન થયા વિના જ બૃહદ ભાવવિશ્વને અનંત ફંગોળવાનું સામર્થ્ય દાખવે છે.

    જેમ સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે કે 'આત્મપ્રતીતિ વિનાના કહેવાતા સમર્થ જ્ઞાની સર્જકોમાં ચરમ અનુભૂતિની શબ્દદર્શના ભલેને જોવા જડે, પરંતુ સહજ વાતાવરણનો, શૈશવ કે માતૃત્વનો પડછાયો સુધ્ધાં પણ ડોકાતો નથી. અને જો તે ડોકાય છે તો માત્ર ખંડિત રૂપે જ.' ત્યારે આ કવિ એથી વિપરીત, ગઝલ શાશ્વતની તમામ પરિમિત સિદ્ધ કરીને પણ ગામ, શૈશવ અને માતૃત્વના ઝૂલણે નિસર્ગ સમ ઝૂલે છે. તેનાં વીતકને ભરપૂર શ્વસે છે.
રઝળતી લાગણીઓ ઘર સુધી લવાઈ નથી;
ઘણા સમયથી ગઝલ એક પણ લખાઈ નથી.
*
હું ઇચ્છું કે લઈ મારી બધી સમજણ, મને આપો;
તમારે આપવું હો જો ખુદા બચપણ મને આપો.
*
ઊડી ગયાં જ હશે પાંચસાત નળિયાંઓ,
મેં એકલું જ મૂક્યું ગામડામાં ઘર શાને?
*
થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા;
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.
*
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા!
     જે સર્જક માના નાભિનાદને નિરંતર ઝીલે છે તેની સર્જકતાને બિંબિત-પ્રતિબિંબિત થવા કાજે સાધન અવલંબન અનાવશ્યક છે. આવો સર્જક સાયાસગઝલ આધ્યાત્મના રુક્ષત્વને બદલે સહજ ગઝલવૃક્ષત્વને વરે છે. ગઝલ ભલે પ્રેયસીના રૂપમાં આત્મસાત્ થતી હોય અંતે તો માતૃત્વને જ વરતી હોય છે.
મૈં માં કે સીને સે ટપકા હુએ ઇક દૂધ કા કતરા,
મુઝે પી લે સમજ તૂ જાયેગા રંગે-ગઝલ ક્યા હૈ.
(સતીન દેસાઈ 'પરવેઝ')

    વિશુદ્ધ સત્ત્વ-તત્ત્વની ઝાંઝર મીરાંની જેમ ઝણકાવતો આ શાયર વિસ્મય-રહસ્ય ઓઢ્યા વિના ભાવકને વિસ્મય-અજંપો પમાડે છે. ચરમ-ગેબ સંદર્ભે ભાવકને આંજી નાખતા શબ્દ-કલ્પન પ્રતીકના ઝળહળાટ વિનાય પ્રાગટ્યને વરે છે એ સત્ય નીચેના અશઆરમાં પામી શકાશે.
મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું;
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું.
*
બાતમી સૂરજની લઈને આવવામાં જો,
હાથ તો સળગી રહ્યા છે પગ હવે સળગાવ.
*
કોઈ અગોચર દેશમાં 'બેદિલ' મૂકીજઈ,
મારા સુધી ના આજ પણ પાછી વળી હવા.
*
ભૂલો પડું છું હું પછી ખુશબૂના દેશમાં,
છોડી અગર જો જાય મારી આંગળી હવા.
*
હવે આથી વધારે ભાગ્યનું શું હોય પલટાવું?
નજૂમીઓ જુએ છે એકબીજાની હથેલીને.

    આમ આ કવિ, ખુશબૂના દેશ (બાગે-બહિશ્ત) સ્વર્ગીય બાગનું અપ્રાપ્ય ચિત્રણ ગઝલની નવ્ય બાનીમાં નિરૂપીરહસ્ય-વિસ્મયને અનાવરિત પણ કરે છે ત્યારે સંગ્રહમાંથી પસાર થતાં આ કાળવિજયીને સ્હેજ ટકોરવાનું મન થાય છે.

    સંગ્રહમાં કાળલક્ષી પ્રયોજાતાં કલ્પન-પ્રતીકજેવાં કે શ્વાસ-મૃત્યુ-લાશ-કફન વગેરેનો વિનિમય અસ્ખલિત જોવા મળે છે. 'બેફામ' જેમ 'બેદિલ' પણ બેદિલીથી કાળસંવેદનને અનેકાનેક શે'રમાંપ્રયોજી, સકારાત્મક તત્ત્વસંવિધાનનો તખ્ત સાધ્યા પછીયે, સંકલ્પ શૈથિલ્યના અનુરાગમાં કેમ કૉળે છે! તે વણ ઉકેલ્યો પ્રશ્ન છે.
આ સંવિધાન ખાળી શકાયું હોત તો...
કેમ દફનાવવી વિચારું છું,
હોય મારી જ લાશ મારામાં.
*
દફન કરી ન શક્યું કોઈ લાશ 'બેદિલ'ની,
એ રોજ રોજ મરાયો જરૂરિયાત મુજબ.

    આ કવિ પણ અન્ય સર્જકની જેમ પુરાકલ્પન વિનિયોગને ખાળી શક્યા નથી. સદ્ ભાગ્યે માત્ર બે શે'રમાં જ એ ડોકાય છે. છતાં ચમત્કૃતિજન્ય આવિષ્કારો રચે છે.
કલ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રૌપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.
*
કરી શક્યો ન સજીવન તને હું એ જ સબબ,
નગરમાં કોઈ ઘરે એક મુઠ્ઠી રાઈ નથી.

    આમ 'બેદિલ'નું વાસ્તવદર્શન ક્યાંક પુરાકલ્પનના આધારને પણ નિર્મે છે. પરંતુ મહદંશે સંગ્રહની ઉપલબ્ધિ તેના સાત્ત્વિક અહેસાસના નિર્ભેળ વિહારમાં કૉળે છે. આ કવિ બાળસહજ ઊર્મિઓના ગર્ભમાં લોળ લોળ છોળે છે. ઊર્ધ્વગમનના હઠાગ્રહ કરતા આંતરગમનની સહજ ગતિને સાદે છે.જે સમાધિરત થવાને બદલે, અધિક સજાગતા દાખવી સપાટી પર ગતિ સંચાર કરે છે. આમ 'બેદિલ' નિજનાભિદલમાં જ સુદર્શન જેમ ચક્રાકાર ગતિ કરી ગઝલના વેગીલા પિંડને બાંધે છે.
આ તરફ ઘોંઘાટ કરવાની મનાઈ છે હવા,
મૌન થઈ જા એક બાળકની કબર છે આ તરફ.
*
તારાં સ્મરણને એ સમય ભૂલી જવાનો હું,
ખુશબૂનો ભાર લાગશે જ્યારે સમીરને.
*
તારો અવાજ શૂન્યમાં શામિલ થવાનો છે,
હોવા વિશે ન રોજ 'બેદિલ' સાદપાડ તું.
*
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં.

    એકાવન અગોચર પગલાનું કમળવત્ સ્થાપત્ય તળાવમાંકરી, ગઝલનો આ સ્વૈરવિહારી સ્વયં કોઈ અગોચર પંથે સરી પડ્યો છે! ક્યાં? તેનો વિસ્મય-અજંપ સંગ્રહના પૃષ્ઠે પૃષ્ઠે કૉળે છે.
'બેદિલ' મૂકીનેજાત ખુદની ક્યાં જતો રહ્યો,
આખું નગર છે મૌન એના કૈં સગડ નથી.

    જેમ સ્થળ, જળ, કાંઠાનેઆ સર્જકનાં સગડ મળતાં નથી, તેમ અનાગતને પણ આ અગોચર પગલાંની સફળ ગઝલનાં નિર્ઝરથી... છેક સમંદર સુધી દોરી જશે જ એવી શ્રદ્ધા, આ સંગ્રહમાં પગલાં પાડ્યા પછી પ્રત્યેક ભાવકના મન-અંતરમાં નિઃસંદેહ જાગશે જ... કે
ઇતના બહ જા કિ તુઝે ઢૂંઢને સાહિલ નિકલે;
તું જહાં ચલ દે તેરે પા તલે મંઝિલ નિકલે.
(ડૉ. સતીન દેસાઈ 'પરવેઝ')
('તાદૃર્થ્ય' : સપ્ટેમ્બર ૨૦૦૫)


0 comments


Leave comment