21 - શ્રીફળ વધેરું છું / અશોક ચાવડા 'બેદિલ'


ચારે દિશાઓ ઝળહળો શ્રીફળ વધેરું છું;
શ્રદ્ધાથી થઈને ગળગળો શ્રીફળ વધેરું છું.

હે આહ્લાદક સૌ પળો શ્રીફળ વધેરું છું,
અંધાર ચીરી નીકળો શ્રીફળ વધેરું છું.

શબરીની માફક રાહ જોવાતી નથી હે રામ!
વનવાસથી પાછા વળો શ્રીફળ વધેરું છું.

દૃષ્ટિ નથી તો શું થયું મનથી નિહાળશું,
એકાદ આકારે મળો શ્રીફળ વધેરું છું.

દેવી ગઝલના શબ્દનું મંદિર બનાવશું,
'બેદિલ'માં થોડું ઓગળો શ્રીફળ વધેરું છું.


0 comments


Leave comment