22 - લોહી જ લોહી છે / અશોક ચાવડા 'બેદિલ'


પ્રતિબિંબ તૂટ્યાની ક્ષણે લોહી જ લોહી છે;
હોવા વિશેના દર્પણે લોહી જ લોહી છે.

પથ્થરની ઈશ્વર એમ ક્યાં સ્હેલાઈથી બને?
જા, દેખ પેલા ટાંકણે લોહી જ લોહી છે.

સંબંધ લોહીનો હવે ભૂલી ગયા છે સૌ,
ચારેતરફ એ કારણે લોહી જ લોહી છે.

તારા જવાથી ઠેસ ઉંબરનેય વાગી છે,
પાછું વળી જો આંગણે લોહી જ લોહી છે.

'બેદિલ' હવે તું આંખ મીંચે એ જ સારું છે,
અશ્રુ નથી આ પાંપણે લોહી જ લોહી છે.


0 comments


Leave comment