25 - સુધી / અશોક ચાવડા 'બેદિલ'


રસ્તો લઈ જાશે પ્રથમ પથ્થર સુધી;
ક્રમશઃ પછી ઝરણાં, નદી, સાગર સુધી.

ક્યારેક મારી આંખ સૂકી થઈ જશે,
લીલાં રહે છે તોરણો અવસર સુધી.

સારા પ્રસંગોની શરૂઆતો હતી,
જે ખંજરીથી લઈ ગઈ ખંજર સુધી.

શ્રદ્ધા અને ધીરજ જરૂરી હોય છે,
ઇચ્છા જવાની હોય જો ઈશ્વર સુધી.

'બેદિલ' ફરી જીવી જશે એ આશથી,
સૌ લોક લાવ્યા લાશ તારાં ઘર સુધી.


0 comments


Leave comment