27 - હશે / અશોક ચાવડા 'બેદિલ'
કૂંપળ બનીને યાદ કોઈની ફૂટી હશે;
દીવાલ મારા ઘરની ક્યાં એમ જ તૂટી હશે.
એ કારણે તો હાથ મારા લોહીલોહી છે,
મેં કાલ સપનામાં છબી તારી ઘૂંટી હશે.
પૂછ્યાં કરે છે ફૂલની ડાળો લચીલચીઃ
કોણે ઉદાસી બાગમાં આવી ચૂંટી હશે?
બાકી હશે તારું સ્મરણ વિશ્વાસ છે મને,
છો તસ્કરોએ ઘરની સૌ મિલકત લૂંટી હશે.
તું શોખથી ભેટી શકત તારા મરણને પણ,
માનું છું તારી જિંદગી 'બેદિલ' ખૂટી હશે.
0 comments
Leave comment