74 - સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા / મનોજ ખંડેરિયા


સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઊકલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ –
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહીં મિત્રો !
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિંતુ –
પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા


0 comments


Leave comment