25 - આ હયાતી પાઘડીના વળ નથી / દિનેશ કાનાણી
આ હયાતી પાઘડીના વળ નથી,
જિંદગીને જીવવાની કળ નથી.
દૂર હડસેલી દઈએ ક્રોધને,
આપણામાં એટલુંયે બળ નથી.
છે બધુંયે આપણી પાસે ઘણું,
આપણી પાસે હવે એક પળ નથી.
આખરે બસ એટલું સમજાય છે,
ઝંખનાઓને ખરેખર તળ નથી.
એટલાં ખૂલી ગયાં છે બારણાં,
કે હવે કોઈ કને સાંકળ નથી.
0 comments
Leave comment