26 - હળવું મળવું ઝાકળ જેવું ને જંતર મંતર / દિનેશ કાનાણી


હળવું મળવું ઝાકળ જેવું ને જંતર મંતર,
જીવશું પળ પળ વાદળ જેવું ને જંતર મંતર.

માણી લઈએ આ પળ બે પળના સપનાંઓને,
છોડી દઈએ સાંકળ જેવું ને જંતર મંતર.

અંદર અથડાતાં કૈં અક્ષરનાં ટોળે ટોળાં,
કોણ લખાવે કાગળ જેવું ને જંતર મંતર.

નાના મોટા, સાચા-ખોટા સંબંધોમાં જો ને,
ઊગી ગયું શું બાવળ જેવું ને જંતર મંતર.

પાંખ અમારી એના પાલવમાં બસ અટવાતી,
જઈએ ક્યાંથી આગળ જેવું ને જંતર મંતર.


0 comments


Leave comment