1.10 - વિરામ 8 : જદુનાથજી સાથે પ્રસંગ – 1860 / મારી હકીકત / કવિ નર્મદ


    1. સને 1860 ની જાનેવારીમાં ભાઈ મહિપતરામની વિલાત જવાની તૈયારી થતી હતી. તેવામાં સમશેરબહાદુર પત્રમાં તેના ચલાવનારા અધિપતિની ગેરહાજરીમાં હીરાલાલ ઉમીયાશંકરે (અમદાવાદના આડતિયાનો ભાઈ) મહિપતરામ વિષે લખેલો એક આરટિકલ દાખલ કર્યો હતો. તેમાં એવું હતું કે તે ભાઈને નાગરી ન્યાતે વિલાત જવાની રજા આપી છે. તે પત્ર શેઠ ભગવાનદાસ પરસોતમદાસના વાંચવામાં આવેલું. તે ઉપરથી તેણે પોતાના એક મ્હેતા, નામે ડાહ્યાભાઈ જેની સાથે હીરાલાલ એકઠા રહેતા હતા, તેની આગળ ચ્હીડવવાને નાગરી ન્યાતની મશ્કરી કરેલી ને તેથી એ ડાહ્યાભાઈ ઘણો ચ્હીડાઈ ગયો હતો. તેણે ઘેર આવી હીરાલાલને ધમકી આપી કે એવું તેં લખ્યું જે કેમ, ને ફરી લખ તે જુઠું છે, નહિ તો તારો વિવાહ ફોક થશે ને તારે ન્યાતબ્હાર રહેવું પડશે, પેલા ગભરાયા ને પછી કોઈ પેપરમાં તેણે ઇન્કાર કીધો કે નહીં તે હું જાણતો નથી, પણ તેણે મહાદેવને ઘીનો દીવો તો કર્યો ખરો. પછી મુંબઈની નાગરી ન્યાતમાં એક દસ્તાવેજ થયો તેમાં સઘળાએ સહી કીધી, પણ જારે તે મારા બાપ પાસે આવ્યો તારે તેઓએ જવાબ દીધો કે, `મારો છોકરો અહીં નથી તે આવશે ત્હારે થઈ રહેશે!’ એ વખત હું મારા દોસ્ત નાનાભાઈ રૂસ્તમજી, અરદેશર ફરામજી વગેરેઓની સાથે ચિમોડ ગામમાં સ્હેલ કરતો હતો. ત્હાંથી આવ્યાપછી એકડા કરાવનાર હમારીપાસે આવ્યા ને પછી હમે બાપદીકરાએ જવાબ દીધો કે, `એ દસ્તાવેજ ઉપર હમે સહી કરી શકતા નથી.’ એવો જવાબ ભાઈ ઝવેરીલાલે પણ દીધો. એ ઉપરથી મુંબઈની ન્યાતવાળાઓથી હમે સાત જણ જુદા રહ્યા. પછી મેં એક વિજ્ઞપ્તિનું હેંડબીલ કહાડયું (નર્મગદ્ય પાનું 423મું જોવું). વરસેક દહાડા પછી કેટલાક મિત્રોનાં વચનમાં પડવાથી હમે ન્યાતનાં વેહેવારમાં જોડાયા ને ન્યાત જમવી બંધ પડી હતી તે પાછી ચાલુ થઈ.

    એ ઠેકાણે મારે કહેવાની જરૂર છે કે, લોક એમ સમજેછ કે ભાઈ મહિપતરામને જેઓએ વિલાત જવાને ઉસ્કેર્યા હતા તેમાં હું પણ હતો. ખરી વાત એ છે કે ભાઈ મહિપતરામ વિલાત જવાના છેલ્લા ઠરાવથી મુંબઈ ગયા હતા ત્હારે જ મેં જાણ્યું હતું. ભાઈ મહિપતરામે કાગળથી મારી સલાહ લીધી હતી.

    2. સને 1860 ની 7 મી જુલાઈએ `તત્ત્વ શોધક સભા’ કહાડી (નર્મગદ્ય પાનું 434 મું જોવું) પણ એની અગાઉ નર્મકવિતા અંક 9 મો ને 10 મો પ્રગટ કર્યા હતા ને આગસ્ટમાં `દયારામકૃત કાવ્યસંગ્રહ’ કહાડયો હતો.

    3. જુલાઈમાં મેં મારા ઘરમાં ચાર ભાષણો (બે ભક્તિ ઉપર ને બે સાકાર ઉપર) કરી છપાવ્યાં હતાં. તેમ એ વરસમાં સજીવારોપણ-રૂપકાલંકાર વિષે બુ.વ. સભાનાં મકાનમાં એક, ને પુનર્વિવાહ વિષે બીજું (5 મી અકટોબરે) ટાઉનહાલમાં કર્યું હતું.

    4. જદુનાથજી સાથે પ્રસંગ પડેલો તે આ રીતે – સદર અદાલતમાં ડિપુટી શિરસ્તેદાર લલ્લુભાઈ ગોપાળદાસને જદુનાથજીએ જુલાઈમાં મુંબઈ આવ્યા ત્યારે કહ્યું હતું કે `નર્મદાશંકર મને મળે તો સારૂં.’ હું એક દહાડે ભાંયખળે તેઓને મળવા ગયો હતો – એઓ મને ઓળખતા ન્હોતા ને હું તેમને ઓળખતો ન્હોતો. હું દરવાજામાં પેસતો હતો ને તેઓ બ્હાર નિકળવાની તૈયારીમાં હતા. એટલામાં તેઓએ જાણેલું કે કોઈ વૈષ્ણવ મને મળવા આવેછે–એ ઉપરથી તેઓ પાછા ઘરમાં જઈ કોચપર બેસી ગયા. હું કોચ આગળ નમસ્કાર કરી ઉભો રહી બોલ્યો કે `જે નર્મદાશંકરને મળવાની તમે ઇચ્છા દેખાડી હતી તે હું છઉં’ ને પછી તેઓની પાસે બેસવા જતો હતો એટલામાં પાછું મેં વિચાર્યું કે, એમ કરવું ઠીક નહીં ને પછી હું કોચની પાસે નીચે બેઠો ને કહ્યું કે તમે `ચાતુર્માસ અહીં રહેવાના છો?’ તારે જદુનાથજીએ કહ્યું કે, હા. પછી થોડીક વાત થઈ જે મને સાંભરતી નથી. પછી મેં કહ્યું કે, `હમણાં તમારે બ્હાર જવાની તાકીદ છે માટે બોલાવશો તારે મળીશ.’ પછી હમે ઉઠયા.

    જુલાઈમાં મંગળદાસવાળી છોકરીઓની નિશાળમાં જદુનાથજી આવ્યા ને બતાવ્યું કે હું છોકરીઓને શિખવવાનાં કામમાં ઉત્તેજન આપું છઉં. કોઈ પણ મહારાજે એમ ન કરેલું તે જદુનાથજીએ કીધું, તેથી સઘળા સુધારાવાળાને વિશ્વાસ બેસી ગયો કે જદુનાથજી સારા છે. લખમીદાસ ખીમજીએ એને કંઈ ખાનગી વાતચીત કરતાં પૂછ્યું હશે કે `પુનર્વિવાહ કરવો કે નહીં,’ તારે તેઓ બોલ્યા હશે કે, કંઈ ચિંતા નહીં. મને લખમીદાસ ખીમજી વગેરેએ જદુનાથજીની તારીફ કરવાનું કહ્યું–પણ મારા મનમાં એમ કે જહાંસુધી જદુનાથજીને મળી તેનાં અંત:કરણના વિચાર સુધારાસંબંધી જાણું નહીં ત્હાંસુધી હું એની તારીફ નહીં કરૂં–પણ પછી શીઘ્ર કવિતાની જુક્તી સાથે મારે કંઈ તારીફ કરવી પડી હતી ખરી.

    એક દાહાડો હું એને મંદિરમાં મળવા ગયો હતો – તાંહાં થોડીક ઉપર ઉપરની વાતચિત થયા પછી તેઓએ મને કહ્યું કે `બપોરે આવજો–આપણે વાત કરીશું.’ પછી હું અને ધીરજરામ બંને પાછલે પ્હોરે ગયા–જોઈયેછ તો માહારાજ કોચપર સુતેલા. મેં ત્હાંના એક ભટને કહ્યું કે `માહારાજને કહો કે નર્મદાશંકર આવ્યાછ.’ તારે હમારા દેખતાં જ મહારાજે કરોડ મરડીને કહ્યું કે `પછી આવજો.’ એ બોલવું મને તીર જેવું લાગ્યું ને હું ઘણો જ ચ્હિડાઈ ગયો.

    પછી તો કેટલાક સુધરેલાઓને એમ જણાવવા લાગ્યું કે માહારાજ સુધારાવાળાઓને જુદું સમજાવેછ ને પોતાના હરડતા વૈષ્ણવોને જુદું સમજાવેછ. માહારાજોની સામા મારા લખેલા નિબંધો વાંચીને જદુનાથજી મારા પણ ઘણા ચ્હિંડાયા હતા ને મારૂં ભુંડું બોલતા હતા – ભક્તિનાં ભાષણથી મેં તેમને પણ ચ્હિડવ્યા હતા. ને એમ સામસામી થઈ ગઈ.

    પછી તા. 15 મી આગસ્ટે મેં હેંડબીલ કહાડયું... એ હેંડબીલ તથા તેની નીચે આપેલી ટીપ એ જોવાં નર્મગદ્ય પ્રથમ પુસ્તકને 424મેં પાને.

    એ હેંડબિલ ઉપરથી વાદ કરવાને સભા ભરવાનું ઠેરવ્યું. (જુઓ નર્મગદ્ય પ્રથમ પુસ્તકનાં પાના 426...427).

    એ સભાનો હેવાલ તા. 26 મી આગસ્ટના `સત્ય પ્રકાશ’માં છે. વિશેષ અહીં લખવાનું આ: – મારી સાથે સુધારાવાળા ન આવેલા ને હું પાછલે પ્હોરે ત્રણ વાગતાનો ગયો હતો – મારો ને જદુનાથનો વિચાર તે દાહાહે પુનર્વિવાહ સંબંધી વાદ કરતવાનો નહીં પણ તે વાદનું રૂપક બાંધવાનો ને એમ હતું તેથી જ આડી આડી વાતો કરી. રાતના આઠ વાગા-પછી મેં કહ્યું કે `વખત ઘણો થઈ ગયો છે માટે હવે અહીંથી મુલતવી રાખીયેછ – બીજી વખત બેસીને પુનર્વિવાહ વિષે વાદ કરીશું.’ સંવાદ થવાની અગાઉ મારી ને જદુનાથજીની વચ્ચે જે કાગળ પત્રો ચાલ્યા હતા, તે મેં એવા જોશથી વાંચ્યા હતા ને પછી મ્હોડેથી બોલ્યો હતો કે `ધરમગુરૂ થઈને જુઠું બોલે તેની સાથે ભાષણ કરવું હમારે યોગ્ય નથી તો વાદ કેમ કરિયે તો પણ એ બ્હાને સુધારાવાળા હારી ગયા, એમ અજ્ઞાનીયોમાં કહેવાય માટે આવ્યો છું.’ મેં કાગળ વાંચવા માંડયાં ત્યારે જદુનાથજીએ કહ્યું હતું કે તમારે છપાવવા હોય તો છપાવજો પણ હમણાં વાંચશો નહીં. મેં કહ્યું કે એ કાગળો વંચાયા વના કંઈ કામ ચાલે નહીં. એ કાગળો વાંચતો હતો તે વેળા જદુનાથજી શરમથી નીચે મ્હોડે ટકટક જોયાં કરતા હતા. સભાનું કામ બંધ થયા પછી એક મશ્કરો પોકરણો બામણ ઉભો થઈ બુમ પાડીને બોલ્યો હતો કે `નર્કાશંકરનો ખે.’ દીવનાખાનાંમાં 200) ને બ્હાર કંપાઉંડમાં 800) એક વેષ્ણવો હતા. કેટલાકનો વિચાર મને મારવાનો હતો. પોલીસનો બંદોબસ્ત ન્હોતો, એવામાં મારા બાપ જેને ખબર ન્હોતી કે છોકરો સભામાં ગયો છે તે ગભરાતા ગભરાતા મારી પાસ આવ્યા – મને તેની ખબર પડી કે ડોસો છુંદાઈ જશે. મેં મારા દોસ્તદાર કિસનદાસ બાવા સાથે તેને વિદાય કીધી ને પછી જદુનાથને કહ્યું કે `અગર કોઈ મારા ઉપર હાથ ઉગામશે તો તેનો જવાબ તમારે આપવો પડશે માટે કહીદો કે ભીડ ઓછી થાય.’ પછી હું ઉઠયો ને જોઉંછ તો જોડા મળે નહીં; પગમાં મોજાં ખરાં. હું જોડા પ્હેર્યાવનાં જ દાદર ઉતર્યો. કેટલાકે મને પુછ્યું કે `પેલો કહાં છે?’ તારે હું ઉત્તેર દેતો કે `આ ચાલ્યો જાયછ.’ રસ્તામાં આવ્યો કે તરત એક દોસ્તના જોડા પ્હેરી લીધા ને પછી ઘેર આવ્યો. બારણાં આગળ ઘણા લોક ભેગા થઈ મને ગાળો દેતા હતા પણ બંદા તો બારણાં બંધ કરીને ઉપર ચ્હડી ગયા હતા. સભામાં મારા બોલવાની છટા ઉપર એક બિજા માહારાજ ને આશ્રિત શાસ્ત્રીઓ આશ્ચર્યથી જોયાં કરતા હતા ને એમાંનો એક વિષ્ણુશાસ્ત્રી જે ઉત્તર હિંદુસ્તાન તરફનો હતો તે તો બીજે દહાડે પુછતો પુછતો મારે ઘેર આવ્યો હતો. માહારાજને સંસ્કૃત શિખવતો હતો તો પણ તે મારો પરમ સ્નેહી થઈ પડયો હતો–એ મારી કવિતા વખાણતો ને રૂકમણિહરણથી તો ચકિત જ થઈ ગયો હતો.

    5. સુધારાવાળા જો કે બ્હીકથી મારી સાથે સભામાં આવ્યા ન્હોતા તો પણ તેઓ મારા દોષ બોલવા લાગ્યા કે `શાસ્ત્ર કોનાં બનાવેલાં છે?’ એ તકરાર ન્હોતી કહાડવી. મેં કહ્યું કે, `હું મારા વિચારથી ઉલટું નહીં બોલું ને પુનર્વિવાહની તકરાર ચાલી હોત તો જદુનાથજીના કહેવા પ્રમાણે કે `શાસ્ત્ર ઈશ્વરકૃત છે,’ એ ઉપરથી જ હું પુનર્વિવાહ કરવો સિદ્ધ કરત–તમે તો બેસી રહો ખુણે.’

    શાસ્ત્ર ઈશ્વરકૃત નથી એ વાત ન્યુસોમાં ચરચાયાથી 1 મી [પહેલી] અકટોબરનાં `સત્યપ્રકાશ’માં એક આર્ટીકલ એવો આવ્યો કે જેમાં જદુનાથજીના વ્યભિચારવિષે કંઈ બોલાયલું. તે ઉપરથી સને 1861 ની 14 મી મેએ જદુનાથજીએ લાઈબેલની ફરિયાદ માંડી. વચમાં કેટલુંક કામ ચાલ્યા પછી 1862ની 26 મી જાનેવારીએ તપાસ ચાલુ થઈને તેમાં ચાળીસ દાહાડા ગયા. (જોવો મહારાજ લાઈબેલ કેસ.)

    6. મારી કવિતામાંના શબ્દો સમજવા નિશાળમાં ભણતાં છોકરાંઓને કઠણ લાગતા હતા, તે ઉપરથી મેં તેમાંના જ અઘરા શબ્દોના અર્થો વર્ણાનુક્રમે લખીને વાકેબ્યુલરી કરવાનો વિચાર કીધો હતો, પણ તેને માટે શબ્દ જુદા પાડયા તો ઘણા જ નિકળ્યા–પછી જોસ્સો થયો કે એક મોટો કોશ જ કરવો એટલે તેમાં ભાષાના ઘણખરા શબ્દો આવી જ જાય. એ વિચારને ડા. ધીરજરામે પુષ્ટિ આપી ને મેં તા. 18 મી નવંબર સને 1860થી મોટો કોશ કરવો શરૂ કર્યો.

    7. પુનર્વિવાહ સંબંધી હો હો થઈ રહી હતી, એવામાં એક જોડું પુનર્વિવાહ કરવાને તૈયાર થયું–એવું બન્યું કે દીવાળી નામની એક બામણી નાશક જવાના હેતુથી મુંબઈ જઈ એક વાણિયાને ઘેર ઉતરી હતી. એ વાણિયો મને ઓળખે ખરો. એણે મારી પાસે આવી વાત કરી કે, `આજકાલ પુનર્વિવાહ વિષે મ્હોટો ઘોંઘાટ થઈ રહ્યોછ ને તમે જો મારે ઘેર આવો તો એક સ્ત્રીને બતાવું જે કરવાને તૈયાર થઈ છે.’ હું ત્હાં ગયો ને તે બાઈયે કહ્યું કે, હું કરૂં તો ખરી પણ એમ કરવાથી હમારા પર હરકત આવી પડે તો સુધારાવાળાઓએ સાહ્ય રહેવું પડે–મેં કહ્યું કે, `તમે પુનર્વિવાહ કરી રૂડી રીતે રહેશો ને બીજીઓને રૂડો દાખલો બતાવશો તો તમારી મદદે કોણ નહીં રહે?’ હું તો વાત કરી ઉઠયો–ને વિચારતો હતો કે મિત્રોને કાને નાખું એટલામાં બીજે દાહાડે મેં ડા. ધીરજરામને ઘેર ગુજરાતી મિત્રમંડળી અને પેલો વાણિયો તથા પેલી બાઈ એ સહુને દીઠાં. ત્હાં મિત્રો અને પેલી બાઈ વચ્ચે વાતચીત થતી હતી–હું તો જોયાં જ કરતો હતો. છેલ્લી વારે નક્કી જણાયું કે, એ બાઈ તો તૈયાર છે– હવે કોઈ પુરૂષ જોઈયે. એવામાં પેલા વાણિયાએ પોતાના બીજા વાણિયાઓની મદદે એક ગણપત નામનો બામણ પેદા કર્યો. પછી તેઓ મહાલક્ષ્મીમાં આઠ દહાડા સાથે રહ્યાં ને નવમે દાહાડે વાસુદેવ બાબાજીની દુકાને મેં અને થોડાક મિત્રોએ તે બામણને કેટલાક સવાલો કર્યા કે `કેમ ભાઈ તું પૈસાને માટે કરેછ, પેલીને રઝળાવવાને કરેછ, કે હંમેશ સાથે રહી બિજાંઓને રૂડો દાખલો બતાવવાને કરેછ?’ ત્યારે તે બોલ્યો હતો કે, `પ્હેલો દાખલો બતાવાવથી સુધારાવાળાઓમાં માન વધશે, પણ બિજા ઘણાક લોકમાં તો હું બેઆબરૂ થઈ જઈશ – ને પુનર્વિવાહ કર્યા પછી જો હું પેલીને રઝળાવું તો દુનિયામાં મારે ઉભું રહેવાનું ઠેકાણું કહાં? હું કંઈ પૈસાને માટે નથી કરતો.’ એ તેની બોલી ઉપરથી અને તેઓએ આઠ દહાડા સાથે રહીને મન મેળવ્યું તે ઉપરથી સુધારાવાળાઓએ આગેવાની કરી. પછી એક બ્રાહ્મણે ડા. આતમારામનાં નવાં ઘરમાં મ્હોટી ધામધુમથી વિધિયુક્ત પુનર્લગ્ન કરાવ્યું. એ સમારંભમાં પરમહંસ સભાના અને બુદ્ધિવર્ધક સભાના સાથીઓ વરવહુને ચાંલ્લો કરી શોભા આપવામાં હતા. (જોવું 16 મી ડીસંબર 1860 નું સત્યપ્રકાશ) એ જોડું જારે પુનર્વિવાહ કરવાને તૈયાર થયું તારે સુધારાવાળાઓએ તે કામ પાર પાડી આપવાનું માથે લીધું.

    એ પુનર્લગ્ન થયા પછી જદુનાથજી માહારાજે સુધારાવાળાઓની ફજેતી કરાવવાના વિચારથી પોતાના આદમીઓની મારફતે ગણપતને સમજાવવા માંડયું કે સુધારાવાળાએ તને ફસાવ્યો – તું જો સુધારાવાળાની સામે થશે તો તને હમે ન્યાતમાં લઈશું વગેરે – ને તે એટલે લગી કે એક અંગ્રેજ વકીલને ત્હાં એક કરારનામું તેની પાસે કરાવ્યું. તેમાં ઘણું કરીને એવું કે મેં ભાંગ પીધી હતી અને તે વખતે મને ભુલથાપ આપી સમજાવી પુનર્વિવાહ કરાવ્યો ને ફાલાણા ફલાણા સુધારાવાળાએ મને આટલા આટલા રૂપિયા આપવાની કબુલાત આપી હતી ને હવે તેઓ આપતા નથી વગેરે. કોણ જાણે શું હશે પણ એવું બન્યુંં તાંહાં વકીલની ઓફિસમાં એક જણ જે સુધારાવાળાની તરફનો હતો તેણે તેને સમજાવ્યો કે વિચારીને કાલે સહી કરજે. તે ગણપત પણ અંદેશામાં પડયો કે સહી કરીને પછી કદાચ મહારાજે ન ગાંઠયો તો નહીં આમ નહીં આમ – પૂરૂં રઝળવું પડશે. પછી તેણે તે વખત સહી ન કરી. એમાંની કેટલીક વાત તે ગણપતે તે રાતે મને કહી હતી; ને મેં તેને સુધારાવાળાઓની તરફથી સારીપેઠે સમજાવ્યો હતો. તે વાર પછી એક દાહાડો તેણે કંઈ નિશો કીધો. કરીને સુધારાવાળાઓને ગાળો દેવા માંડી, તેમાં મને તો પુષ્કળ જ. એ ગણપતનું ભલું કરવામાં કેટલાક શ્રીમંતો પણ હતા; પણ તે સુધારાવાળાની સાંમે થયા તેથી તે શ્રીમંતો અને બીજા સુધારાવાળાઓએ તેને છોડી દીધો. પછવાડેથી એ ગણપતે ને એ દીવાળીએ મને ને બાલાજી પાંડુરંગને રોજ રોજ હમારે ઘેર આવી એવા તો સતાવ્યાછ કે કંઈ કહ્યાની જ વાત નહીં. હમે તેના ઉપર ઉપકાર કીધેલા તેના બદલામાં તેઓએ હમને ગાળો દીધેલી ને એમ છતાં જારે તેઓ ખાવે હેરાન થવા લાગ્યાં તારે હમે દયા જાણીને તેઓને યથાશકિત મદદ કર્યા કીધી. રે જારે એ બાઈ માંદી પડી હતી તને પછી મરી ગઈ તારે મેં મારી તરફથી દયા જાણીને દ્રવ્યની સારીપેઠે મદદ કરી હતી. હા એટલું થયુંછ કે તેનું મુડદું થોડી વાર રઝળ્યું હતું – કારણ કે સુધારાવાળા તો તે જોડાંમાંનાં કોઈનું મ્હોડું જોવાને ઈછતા નહીં; – ને મને એક પ્રસંગ એવો આવ્યો હતો કે તેઓનાં ઘણાં સતાવવાથી મારે પોલીસમાં જઈ તેઓનો બંદોબસ્ત કરવો પડયો હતો. એ મરણ પ્રસંગે હું જાતે દૂર રહ્યો હતો, પણ પૈસાથી મેં સારીપઠે મદદ કરી હતી. જોકે એ પુનર્વિવાહના પ્રયોગનું ફળ સારૂં ન નિકળ્યું તો પણ સુધારાવાળાને એટલો સંતોષ છે કે બે જણાં ઘેર ઘેર કુતરાં ભસાવાથી બંધ રહી એક બીજા સાથે સ્નેહ ને સંપથી રહ્યાં હતાં. પછવાડેથી તેઓએ પોતાંને હાથે જ પોતાની ખરાબી કરી– સુધારાવાળાને ગાવો દીધી–શત્રુ માહારાજ એ પણ કારણ છે. પ્રથમ પ્રયોગ એવા જ હોય છે. લોકો કહે છે કે પ્રથમ ઊંચી પ્રતનું જોડું નિકળવું જોઈયે, પણ એ વાત ન બને તેવી છે. જેટલા સુધારા થયાછ તે, ઘણાક મધ્યમ પંક્તિતના લોકથી અને થોડાક મૂરખ ફાટેલ લોકથી પણ.

    8. એ જ વરસમાં જાતિભેદ તોડનારી એક ધર્મસભામાં દાખલ થવાને તેમાંના એક વિદ્વાન દક્ષણી બ્રાહ્મણ મિત્રે મને આગ્રહ કર્યો. મેં તેને કહ્યું કે, `એ સભાનો ઠરાવ જો આવી રીતે થાય કે એમાંના કેટલાક મેમ્બરો ઉપદેશક થઈ, ઠામ ઠામ જાહેર ભાષણો કરે, પોતાના મત બ્હાર પાડે ને તે પ્રમાણે વર્તે તો હું એમાં દાખલ થાઉં.’ ત્યારે તેણે કહ્યું કે `એ સઘળી વાત પછી થઈ રહેશે. તમે હમણાં દાખલ થાઓ.’ પછી એ તેના કહેવાં ઉપરથી હું તે સભામાં દાખલ થયો.

    1860-61 માં સુધારા સંબંધી મારો જોસ્સો ઘણો જ હતો. છુપાં જે કામ થાય તેમાં ઇશ્વરના ને લોકના ચોર થવાય છે માટે જે કરવું તે જાહેરમાં કરવું એવો જોસ્સો તે વખત હતો. 1861 માં એક પ્રસંગ એવો આવ્યો હતો કે સભામાં મુખીઓમાં ફાટફુટ થઈ ને તે ભાંગી પડી. તેમાંના 6 જણાઓએ ઠરાવ કર્યો કે આપણે તો બ્હાર પડવું જ. તેમાં હું પણ હતો. મેં મારા બાપને કહ્યું કે `આવું છે માટે તમારે જુદાં પડવું હોય તો કહી દો.’ તે ગભરાયા. (ઘણેક પ્રસંગે હું સુધારા સંબંધી ઘણો જ જોસ્સો બતાવી મારા બાપનું મન દુખવતો પણ તે વેળા હું કહેતો કે, `ભાઈ હું તમને દગો નહીં દઉં. હમણાં તમારૂ મન દુખાઓ તો દુખાઓ’) એવું બન્યું કે હમારામાંના પાંચ જણ હઠી ગયા એટલે મારે પણ અટકવું પડયું; બાકી કીદાડનો હું બ્હાર પડયો હોત.

    9. એ જ વરસમાં મારી ડાહીગવરી તેર વરસની ઉંમરે મ્હારે ઘેર રહેતી થઈ.
* * *


0 comments


Leave comment