3 - ગઝલની ભીની રેતી પર કોઈ પગલાં કરે અંકિત.../ ગઝલપૂર્વક / આદિલ મન્સૂરી


     ઉર્દૂના આદ્યકવિઓમાંના એક `વલી' દકની ગુજરાતી દક્ષિણમાં જન્મ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા હતા અને દેહત્યાગ પણ અમદાવાદમાં થયો હતો. શાહીબાગ અંડરબ્રિજ પાસે તેમની કબર હતી. ગઝલનો પણ જન્મ, વિકાસ અરેબિયા, ઈરાનમાં અને પછી ભારતમાં. ભારતમાં ઉર્દૂનાં પગરણ સૌપ્રથમ ગુજરાતમાં. પહેલું નામ `ગુજરી.' વલીસાહેબે ગુજરીમાં ગઝલો લખી દેશભરમાં ધૂમ મચાવી હતી.

     બાલાશંકરથી અર્ધી સદી પહેલાં, મહંમદ કાશિફ સુરતીનો ગુજરાતી ગઝલસંગ્રહ પ્રગટ થયો હતો. પછી તો કલાપી, શયદા, સૈફ, શૂન્ય, મરીઝ, બેફામ, ઘાયલ, ગની, ભગીરથ, ચિનુ, રાજેન્દ્ર, મનોજ, અશરફ, રમેશ અનેક તેજસ્વી કવિઓનાં પગલાં ભીની રેતી પર ઊપસી આવ્યાં.

     ભીની રેતી પર એક નવું નામ અંકિત થયું – અંકિત ત્રિવેદીનું.
    કોણ છે આ અંકિત ત્રિવેદી? તાજેતરમાં ન્યૂ જર્સીમાં યોજાયેલ વિશ્વગુજરાતી સંમેલનમાં 12 હજારથી અધિક શ્રોતાઓથી છલકાતા સભાગૃહના મંચથી માંડી મુંબઈમાં કવિ સુરેશ દલાલના અમૃતમહોત્સવના મંચ સુધી સંચાલન- લીલા વિસ્તારનાર અંકિત હજી 25 વરસના જ છે અને લગ્નની ગઝલ લખવાની બાકી છે.

     વય અને સર્જકતા વચ્ચેના અવકાશને ગઝલોથી પૂરવાના પ્રયાસોમાં પંક્તિઓ ગોઠવાતી જાય છે:
કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું? સપનામાં છું.

     ગુજરાતમાં, ગુજરાતીમાં ગઝલ સ્થિર ઊભી છે. એનું સપનું સાચું પડ્યું છે. આજે પાંચેય ખંડોમાં ગુજરાતી ગઝલ વિશાળ જનસમુદાયના મન-હૃદયને સ્પર્શવામાં સફળ નીવડી છે. એમાં અન્ય અનેક સર્જકોની સાથે સાથે અંકિતનો પણ ફાળો છે.

     ગામના પાદરે પાળિયામાં, હાથમાં તલવાર સાથે કોતરાયેલા ઘોડેસવારના બદલે હાથમાં કલમ કે માઇક લઈ ગુજરાતી વાણી ઉચ્ચારતા કવિની આકૃતિ ઊપસી આવે છે. ધસમસે છે ઘોડાપૂર પડઘાનાં. એક પછી એક, પછી એક, પછી એક, પછી એક અનેક પ્રચંડ મોજાંઓ ફીણ ફીણ થઈ વિસ્તરતાં જાય છે કિનારાની ભીની રેતીમાં. વિસ્તરતાં જાય છે... વિસ્તરતાં જાય છે...

નજરથી દૂર છે ને તોય ટાઢક બધી બાજુ,
પ્રવેશી ઝાંઝવાંમાં કઈ રીતે છાલક બધી બાજુ.

     સવાસો દોઢસો વરસમાં ગુજરાતી ગઝલની ક્ષિતિજો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરી ગઈ. કેવાં કેવાં પરિમાણો પ્રગટ થયાં? શયદા – મરીઝની સરળ બાની, ઘાયલ – મનોજની તળપદી શૈલી, ચિનુ – ભગીરથની પ્રવાહિતા, મનહરની એબ્સર્ડ અભિવ્યક્તિ, રાજેન્દ્રની સંસ્કૃતગાંભીર્ય ગરિમા, અદમની ઇંગ્લિશ બોલ્ડનેસ, રમેશ – અશરફનો સોરઠી રણકો, એક અવનવું મેઘધનુષ્ય ઊપસી આવ્યું છે ગુજરાતી ગઝલની સાતત્યપૂર્ણ ઝીણી ઝરમરમાં.

     ઝીણી ઝીણી ઝરમરમાં રેતી વધુ ભીની થઈ રહી છે અને ભીની રેતીમાં નવાં નવાં પગલાં અંકિત થઈ રહ્યાં છે:
ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી?

    નર્યા વરસાદમાં તડકો થઈને આવેલી ગઝલે કવિઓના એક વિશાળ સમુદાય માટે અભિવ્યક્તિની નવી નવી ક્ષિતિજોનાં બારણાં ઉઘાડી દીધાં છે. અનેક નામી-અનામી કવિઓના અસંખ્ય શેર લોકહૈયે વસી ગયા છે. લોક-જીભે ચઢી ગયા છે. આગવી શૈલી અને અંગત અભિવ્યક્તિ ધ્યાનાકર્ષક બની રહી છે:
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળનો હિસ્સો નમી ગયો.

     અભિવ્યક્તિના મંચ ઉપર અંકિત ત્રિવેદીનું ગઝલપૂર્વક સ્વાગત છે. `ગઝલપૂર્વક' ગઝલસંગ્રહ લઈ આવનાર અંકિત માટે મોકળું મેદાન છે. વિસ્તરતી ક્ષિતિજો છે. દૂર દૂર સુધી પથરાયેલા કિનારા છે. ભવિષ્યનો વિસ્તરતો વિશાળ પટ છે. સમયનો ઊછળતો સમુદ્ર છે. ભીની ભીની ઝીણી ઝીણી ઝરમર છે સતત. મનહર મોદીને સલામ. . .! રૂપે લખાયેલી અંકિતની ગઝલનો એક શેર:
ટકે છે શું? અને કેવું? એ પ્રશ્નો સાવ જૂના છે,
નવું આવે અને આવીને રાતોરાત ચાલે છે.

     વલી ગુજરાતીની કબર ભલે મોજૂદ નથી પણ તેમનો આત્મા જ્યાં હશે ત્યાં ગુજરાતી ગઝલના વિકાસને જોઈ જરૂરથી હરખાતો હશે કે અમદાવાદની ફળદ્રુપ ભૂમિમાં, ગઝલની ભીની ભીની રેતીમાં નવાં નવાં પગલાં અંકિત થઈ રહ્યાં છે – અંકિત ત્રિવેદીનાં પગલાં. ગઝલપૂર્વક સ્વાગત છે એ પગલાંનું.

– આદિલ મન્સૂરી
નોર્થ બર્ગન, ન્યૂ જર્સી,
21મી ઓક્ટોબર, 2006, દીપાવલી-ઈદ


0 comments


Leave comment