4 - સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે / અંકિત ત્રિવેદી


સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે


0 comments


Leave comment