6 - નજરથી દૂર છે ને તોય છે ટાઢક બધી બાજુ / અંકિત ત્રિવેદી


નજરથી દૂર છે ને તોય છે ટાઢક બધી બાજુ,
પ્રવેશી ઝાંઝવાંમાં કઈ રીતે છાલક બધી બાજુ?

ઉઘાડી આંખથી જોઉં કે જોઉં બંધ આંખોથી,
સતત ચાલી રહ્યું છે ક્યારનું નાટક બધી બાજુ.

નથી પહોંચી શક્યા એ ક્યાંય તો પણ કાર્યરત કેવા?
ઊભા રહીને ગતિમાં હોય છે ફાટક બધી બાજુ.

તરસ વરસાદની ઓછી થતી ગઈ છે જીવનમાંથી,
જીવે છે આંસુઓ પીને હવે ચાતક બધી બાજુ.

અવાચક થઈ ઊભાં છે કોઈ જોતું પણ નથી સામે,
હવે ધૂળમાં પલળતાં હોય છે સ્મારક બધી બાજુ.


0 comments


Leave comment