7 - હિસાબોનાં બધાંયે ધાંધિયાંનું ધ્યાન રાખું છું / અંકિત ત્રિવેદી


હિસાબોનાં બધાંયે ધાંધિયાંનું ધ્યાન રાખું છું,
વીતેલી ક્ષણના બીજા ફાડિયાનું ધ્યાન રાખું છું.

ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.

ગમે ત્યાં હું નથી લખતો, અદબ જગ્યાની રાખું છું,
લખું ત્યારેય પણ હું હાંસિયાનું ધ્યાન રાખું છું.

નવી રીતે હવે સચવાય છે મારા નિ:સાસામાં,
હવે આંસુના ભીના પાળિયાનું ધ્યાન રાખું છું.

સમયની ધૂળ ચોંટી બારસાખે તોય આજે પણ,
તમે દોરી ગયેલા સાથિયાનું ધ્યાન રાખું છું.


0 comments


Leave comment