10 - ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે? / અંકિત ત્રિવેદી


ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે?
તું મને કાયમ સપાટી પર ઊછળવાનું કહે છે.

એક પણ રસ્તો નથી તારી બતાવેલી દિશામાં,
તોય કાયમ એ દિશામાં કેમ વળવાનું કહે છે?

જ્યાં પ્રથમ મિસરામાં બેસીને વિચારું થોભવાનું,
ત્યાં તરત બીજા જ મિસરામાં નીકળવાનું કહે છે?

એકદમ ચૂરો થયેલી છે જ હાલત, ક્યાં નવું છે!
જાણીજોઈને છતાં તું એને દળવાનું કહે છે?

શું પડે છે ઓછું એ કહે તો ખરો, કે તું ઉપરથી,
શ્વાસ પડછાયાને પહેરાવી રઝળવાનું કહે છે?


0 comments


Leave comment