13 - આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે / અંકિત ત્રિવેદી


આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે,
બ્લૅક એન્ડ વ્હાઇટ સમય પણ રંગભીનો થાય છે.

બાના બોખા સ્મિતવાળો ચહેરો જ્યારે જોઉં છું,
આજ પણ ફોટા મહીંથી વારતા સંભળાય છે.

જે દીવાલો પર કરેલા હોય લીટા આપણે,
એ જ દીવાલો ઉપર ફોટો કદીક ટીંગાય છે.

એક પણ એન્ગલથી એ મોડેલ જેવાં છે નહીં,
લગ્ન કરતાં મમ્મીપપ્પા કેટલાં શરમાય છે!

એ નિખાલસતા, ઉમળકો, પ્રેમ ક્યાંથી લાવશું?
જૂના ફોટા પાડવા ક્યાં એટલા સ્હેલાય છે?


0 comments


Leave comment