14 - તારા વિશે વિચારવાનું જ્યાં શરૂ કરું / અંકિત ત્રિવેદી


તારા વિશે વિચારવાનું જ્યાં શરૂ કરું,
ખુશબૂ ફૂટે મને, મને લાગે કે પાંગરું.

ઝાલરનો સાદ સાંભળીને સાંજ આવતી,
કૈં એમ તારો સાદ આસપાસ પાથરું.

આકાશની વિશાળતાને બાજુ પર મૂકી,
પંખીને જોઈએ જ એનું એ જ પાંજરું.

લીલોતરી જ જોઈએ છે એવું પણ નથી,
એવુંય સ્થળ બતાવ જે ન હો અવાવરું.

મારી નથી જ સાચવી ભૂલી જઈ અને
ગઝલો લખીને સાચવું છું તારી આબરૂ.


0 comments


Leave comment