15 - કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે / અંકિત ત્રિવેદી


કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે!

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે.

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.


0 comments


Leave comment