37 - અભિનન્દૃનાષ્ટક / નરસિંહરાવ દિવેટિયા


[ તોટક ]
અભિનન્દન આજ દઉં ત્હમને
મુજ સર્વ સહોદરને સુતને,
ફૂલડાં વીણતાં સુખવાડી વિશે
ચિરકાળ ફરો રમી સર્વ દિશે. ૧

કદી કણ્ટક કોમળ અઙ્ગુલિયે,
અથવા ચરણે સરી પીડ દિયે;
ઉપચાર રૂડો કંઈ વૈદ્યતણો
ઝટ આદરજો, શમી જાય વ્રણો. ૨

સહુ વૈદ્યતણો વળી વૈદ્ય જ જે,
કદી એક ઘડી ત્હમને ન તજે,
ત્યમ તેતણું સેવન આદરજો,
નિત્ય ભક્તિરસે હઈડું ભરજો. ૩

હઈડું ભરિયું મુજ આજદિને,
કંઈં હર્ષવડે કંઈં શોકગુણે;
સુખદુઃખનદીયુગસંગમમાં
હઈડું મુજ ન્હાતું રહે હમણાં;- ૪

પ્રતિનૂતનવર્ષદિને ચરણે
હું કૃતાર્થ થતો નમી જેહતણે,
નહિં તે શુભધર્મની મૂર્તિ હવાં,-
જગ! રૂપ ધરે તું નવાં જ નવાં! ૫

અહિં ઈન્દ્ર્ધનુ બનતું નિરખું,
રમણીય સુરંગથી શું હરખું?
નથી આ રચી જ્ય્હાં હું રહ્યો રચના
થઈ લુપ્ત બધી મધુરી ઘટના. ૬

ક્યમ શોક ધરું મન તો હું હવાં?
જગ! રૂપ ભલે તું ધરે જ નવાં;
મુજ પૂજ્યપિતાતણી મૂર્તિ હ્રદે
ધરી નિત્ય ફરું હું પદે જ પદે. ૭

મુજ સર્વ સહોદર! તાત સ્મરો,
વળી તાતમહાનનું ધ્યાન ધરો;
કરી યુગ્મ પિતાતણું વન્દન હું,
દઉં આ સહુને અભિનન્દન હું. ૮
-૦-
ટીકા
બેસતા વર્ષના પ્રસંગે અભિનંદન (મુબારકબાદી) આપતાં લખેલું.

કડી ૨. સુખવાડીમાં ફૂલ વીણતાં ફરતાં કદી કંટક હાથપગમાં વાગે-મતલબ કે-સંસારમાં સુખસંપાદન કરવાના માર્ગમાં કદી અડચણો, પીડાઓ, વગેરે આવી પડે.
તો-અસ્વસ્થ ન થતાં-વૈદ્યનો ઉપચાર કરજો; એટલે ધર્મબોધ કરે હેવા પુરુષ અથવા પુસ્તકનો આશ્રય લેજો કે જેથી વ્રણ (ઘા-કાંટાથી થયેલા)-સંસારમાંની પીડા, શમી જાય.

કડી ૪. હર્ષના ભેગો શોક થવાનું કારણ નીચે કડી ૫માં બતાવ્યું છે.
કડી ૫. તે ધર્મની મૂર્તિ-પિતા.
કડી ૬, ચરણ ૩. આ રચના- આ કાવ્યની રચના (પૂરી નથી કરી એટલામાં).
ચરણ ૪. ઘટના-ઈન્દ્રધનુષ્યની રચના (બધી લુપ્ત થઈ ગઈ). આ ઉપરથી જ જગતનાં સર્વ સુખની નશ્વરતા સૂચવાય છે. તો પછી (કડી ૭, ચરણ ૧) મનમાં શોક શું કામ ધરવો?
-૦-


0 comments


Leave comment