46 - મધ્યરાત્રિએ કૉયલ / નરસિંહરાવ દિવેટિયા
વિષમ હરિગીત
શાન્ત આ રજની મહિં, મધુરો કહિં રવ આ-ટુહૂ -
પડિયો ઝીણો શ્રવણે અહિં, શું હું સ્વપ્નમાં સુખ આ લહું ?
મન્દ વાઈ સમીર આ દિશ જો વહે રવ એ ફરી
નહિ સ્વપ્ન, એ તો ગાન પેલી ગાય કૉયલ માધુરી. ૧
મધ્યરાત્રિ સમે ત્હને અલી કોકિલા ! શું આ ગમ્યું ?
હા, મેહુલો વરશી રહ્યો ત્હેણેથી તુજ મનડું ભમ્યું;
દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહિં તું રેલતી,
આ રમ્ય રાત્રિ મહિં અધિક આનન્દગાને ખેલતી. ૨
નીતરી રહી ધોળી વાદળી વ્યોમમાં પથરાઈ આ,
ને ચાંદની ઝીણી ફીકી વરશી રહી શી સહુ દિશા !
ગાન મીઠું અમીસમું, ત્હેણે ભર્યું તુજ કણ્ઠમાં,
આ શાંતિ અધિક વધારતું તે જાય ઊભરી રંગમાં. ૩
નગર બધું આ શાન્ત સૂતું, ચાંદની પણ અહિં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી.
અનિલ ધીરે ભરે પગલાં પળે શાંતિ રખે સહુ,-
ત્યાં ઊછળતી આનંદરેલે, કોકિલા બોલે-ટુહૂ ! ૪
સૃષ્ટિ સઘળી શાન્ત રાખી, મુજને જ જગાડતો,
ટહુકો મીઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો.
ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી,
ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હઇડું દોડે તવ ભણી. ૫
દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,
આનન્દસિન્ધુતરઙ્ગમાં નાચંતું એ ઉછરંગમાં;-
હા ! વિરમી પણ ગયો ટહુકો, હ્રદય લલચાવે બહુ-
ફરી એક વેળા, એક વેળા, બોલ્ય, મીઠી ! ટુહૂ ! ટુહૂ ! ૬
-૦-
ટીકા
વિષમ હરિગીત - માપ માટે 'આનંદ ઑવારા' ટીકા જુવો.
કડી ૧, ચરણ ૩. વહે - નો કર્તા 'સમીર,' કર્મ 'રવ.'
કડી ૩, ચરણ ૩. ત્હેણે -પૂર્વાર્ધમાં કહેલી વાદળી ને ચાંદનીની સ્થિતિયે.
મતલબ કે આ સુન્દર રચનાથી ત્હારા કંઠમાંથી મીઠું ગાન સહજ નીકળી આવે છે. આનન્દમય વૃત્તિને લીધે.
ચરણ ૪, આ શાન્તિ અધિક વધારતું. - જેમ ગાઢ અન્ધકારમાં પ્રકાશ જરાક ચમકી જતો રહેવાથી અન્ધકાર સવિશેષ પ્રબળ લાગે છે, તેમ સંપૂર્ણ શાન્તિમાં ક્ષણવાર ટહુકો આવીને શાન્તિનું જોર વધારે (પડછાએ કરીને) દેખાડી આપે છે.
કડી ૪, ચરણ ૩. રખેને અહિં પ્રસરેલી શાન્તિ બધી જતી ર્હે (પળે-ન્હાસે) એમ ધારીને (જ જાણે) પવન મન્દ પગલાં ભરે છે, ધીમે ધીમે ચાલે છે.
કાડી ૫, ચરણ ૩. સીંચે - નો કર્તા 'ગાન,' કર્મ 'મોહની.'
આ કાવ્યમાં સૃષ્ટિદર્શનને જ ઉપાદાનરૂપે લઇને પૃ. ૧૪મે 'દિવ્ય ટહુકો' છે તે રચાયું છે. આ કાવ્યમાં માત્ર તે દર્શનથી થતો ઉલ્લાસ છે; ત્ય્હારે પેલામાં તે ઉપરથી ઊપજાવેલું તત્ત્વચિન્તન છે.
-૦-
0 comments
Leave comment