1.4 - ગિરધર કાવ્યો (૪) / મહેન્દ્ર જોશી


જળ-થળ સઘળું લૂણ-સમંદર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

કંકુજળમાં અરડે મરડે
નહિ રમીએ રે કોડી કરડે

છો વૈશાખી ઊઘલે વાવર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

સાંસ સૂરીલી વાજે વેણુ
ઝીલ અલી રે પદ-પદ રેણું

શીખ હવે ના દે રે સહિયર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

નહિ ઘર-ઘરની ચોવટ નહિ રે
નામ રટંતા પોપટ નહિ રે

લ્યો ઊડ્યા રે તોડી પીંજર
પ્રેમ વિના નહિ પરણું ગિરધર

૨૦/૦૫/૨૦૦૪


0 comments


Leave comment