50 - આ બધા આગળ-ની આગળ હું રહ્યો / મનોજ ખંડેરિયા


આ બધા આગળ-ની આગળ હું રહ્યો
આવતી હર પળની આગળ હું રહ્યો

જેની પાછળ પ્યાસ લઈ દોડું છું તે –
ઝાંઝવાના જળની આગળ હું રહ્યો

દ્વાર પાછળ કોણ તે જાણું નહીં,
આ ભીડી ભોગળની આગળ હું રહ્યો

કલ્પનાની હદ ઉપર ક્યાંથી મળું,
તારી હર અટકળની આગળ હું રહ્યો

પંક્તિઓ ફેલાઈ જ્યાં અટકી જતી,
એ જ આ કાગળની આગળ હું રહ્યો


0 comments


Leave comment