1.12 - પરછાઈ / મહેન્દ્ર જોશી
આજ અમે તો જળમાં દીઠી નભની રે પરછાઈ
સાવ અચાનક લાધી ગઈ રે આલમની અમીરાઈ...
નહીં કૂવો નહીં કાંઠો તો યે સીંચ્યાં વારિ વારી
ખડક વચાળે ખેતી કીધી કરમ કરમ બલિહારી
બીજમાં પોઢી ઝુલણહારા ઝુલાવે વડવાઈ
આજ અમે તો જળમાં દીઠી નભની રે પરછાઈ...
ગગનકુંડમાં કીડિયારું ને હવિ પીવે કૈં હંસા
મોતી મોતી પડી રિયા ને કંકર ગિને વહીવંશા
મૂળ વિનાની શાખા પ્રગટી અવકાશે પથરાઈ
આજ અમે તો જળમાં દીઠી નભની રે પરછાઇ...
૧૮/૧૦/૯૪
0 comments
Leave comment