53.2 - યાદ /અશોક ચાવડા 'બેદિલ' / ડૉ. નીતિન વડગામા


    કોઈ વ્યક્તિવિશેષ કે વાતાવરણ વિશેષની યાદ મનને ભરી દે છે ને તરબતર કરી દે છે. યાદોની શીળો છંટકાવ આંતરમનમાં ભીનપવરણું વાતાવરણ રચે છે. વીતેલી વાત કે વીતેલા વખતની યાદ આવતાં જ ફરી પાછો પેલો ભૂતકાળ સજીવન થઈ ઊઠે છે! યાદ આમ, વ્યક્તિને એના વીતેલા સમયમાં પુનઃવિહાર કરાવે છે. હૃદયમાં ચિરસ્થાયી થયેલાં વ્યક્તિ-વસ્તુ-વાતાવરણ સમયાંતરે યાદરૂપે પુનર્જીવિત થતાં રહે છે. યાદની સહાયથી જીવતી થતી એ સૃષ્ટિ સુખદ અનુભવ કરવા અને એમ, ગમતીલી યાદોનું મધુવન મનમાં આહ્લાદ જન્માવે. તો ક્યારેક કેટલીક યાદો દુઃખને પણ નોતરે. અણગમતી યાદોના કાંટા આપણા ભીતરી પ્રદેશને લોહીઝાણ પણ કરી મૂકે! કવિઓ, યાદનો મબલક મહિમા કરે છે અને સાથોસાથ યાદનાં ભયસ્થાનોને પણ ચીંધે છે.

    કવિશ્રી અશોક ચાવડા 'બેદિલ'ના તાજેતરમાં પ્રગટ થયેલા 'પગલાં તળાવમાં' ગઝલસંગ્રહમાં, યાદના વિવિધ-વિશિષ્ટ સંદર્ભો આવતા રહે છે. આવો, આજે યાદને નિમિત્તે 'બેદિલ'ને યાદ કરીએ અને તેમના તાજગીપૂર્ણ ગઝલસંગ્રહ 'પગલાં તળાવમાં'ને આવકારીએ.

    કોઈ સાથી-સંગાથી કે સ્વજનની પુષ્પ સમી યાદ સર્વત્ર સુગંધ પ્રસરાવે, તો એમની પથ્થર જેવી કઠોર નઠોર યાદ આંખમાં ને અંતરમાં પડઘા પાડે! આવી પથ્થર સમી યાદને અને એના પરિણામને કવિ આ રીતે ઝીલે છે -
સાવ સૂની આંખમાં પડઘા પડે છે યાદના,
યાદ જ્યારે હમસફરની ફક્ત પથ્થર હોય છે.

    વ્યક્તિની પ્રત્યક્ષ ઉપસ્થિતિ ન હોય ત્યારે પણ, પરોક્ષ રીતે તો એની સંન્નિધિ અવશ્ય અનુભવી શકાય. અને એ માટે યાદનું ઓજાર અકસીર પુરવાર થાય. યાદનો ખડક ગળે-ઓગળે ને ધીમે ધીમે જાણે કે ખળખળ વહેતાં ઝરણાંનું રૂપ ધરે. અને પછી એ કેવો ચમત્કાર સર્જે? યાદની પ્રવાહિતા જાણે કે ભીતરી પ્રદેશમાં અઢળક અજવાળાં પાથરે! કવિની કલમ, યાદને પરિણામે અંતરના ઓરડામાં થતાં ઝળહળાટ સુધી પણ પહોંચે છે -
ખડક યાદનો ધીમે ધીમે ગળવા લાગ્યો,
એક ઓરડો ઓચિંતો ઝળહળવા લાગ્યો.

    ઘરમાંથી વિદાય લેતી વ્યક્તિ સ્થૂળદેહે ભલે જ વિદાય લે, પરંતુ એના સ્મરણનાં આંદોલનો તો એમના ગયા પછી પણ અકબંધ જ રહે. યાદ રૂપે એમની હાજરી ઘરમાં સતત વરતાયા કરે. અને એ યાદની કઠોરતા કે તીવ્રતા પણ કેવી હોય? ભીનપવરણી યાદનો ભેજ ઘરની દીવાલ ઉપર પણ દેખાયા કરે. કઠોર યાદની અસરને કવિ આ રીતે ચીંધે છે -
ભેજ લાગી ગયો દીવાલોમાં,
યાદ કેવી કઠોર છે ઘરમાં?

    ઘરમાં વ્યાપી વળેલી યાદ એવી તો દૃઢમૂલ બની રહે છે કે એનું સ્થાનાંતર શક્ય ન બને, બલકે એ યાદ જાણે કે ઘરમાં નીકળવાનું નામ જ ન લે! ઘર છોડીએ અને ઘરવખરી અન્યત્ર લઈ જઈએ એ બની શકે, પરંતુ ઊંડા મૂળ નાખી ઘરમાં ઊભેલી યાદોને લઈ જવાનું તો અશક્ય જ. કવિ, યાદનો ઘર સાથેનો આવો મજ્જાગત નાતો પણ નિર્દેશે છે.
લઈ જવાય ભલેને તમામ ઘરવખરી,
નીકળવું કેમ ઘરની બ્હાર યાદ તારી લઈ.

    કેટલીક વાર યાદ અતિથિની માફક આવે ને ચાલી જાય, તો ક્યારેક વળી યાદ ગૃહસ્થની જેમ ઘર કરી જાય અને પડી પાથરી રહે. એક બાજુ, યાદની આવન-જાવન થયા કરે, તો બીજી બાજુ ઠરીઠામ થયેલી યાદ ઘરમાં જ ચિરસ્થાયી બને અને ચાહીએ ત્યારે સુલભ પણ બની રહે. પ્રિયજનની આવી હાથવગી અને હૈયાવગી યાદ કવિને આમ કહેવા પ્રેરે છે-
ચહું છું જ્યારે મને એ મળી જતી ઘરમાં,
તમારી યાદ ગમે ત્યાં હજી મુકાઈ નથી.

    યાદ, વ્યક્તિને વિવશ બનાવે ત્યારે વ્યક્તિ પોતાના વશમાં ન રહે, બલકે યાદના પ્રચંડ પ્રવાહમાં એ સહજ રીતે જ તણાયા કરે. યાદની પ્રબળતા કે પ્રચંડતાનો જ એ પ્રતાપ. હૃદયસ્થ વ્યક્તિને વીસરવાની લાખ કોશિશ કરીએ તો પણ ઘણી વાર એને વીસરી ન શકીએ એવું બને. દૃઢ થયેલી યાદ ગમે ત્યારે, ગમે તે રૂપે-રંગે સામી મળે.અનાયાસે જ ઘણી વાર યાદોની કૂંપળ ફૂટી નીકળે અને એમાંથી યાદ આવેલી વ્યક્તિના પ્રેમનું પગેરું પણ મળે. યાદની તીવ્રતા કે પ્રબળતાને કવિ આ રીતે પણ તાકે છે -
કૂંપળ બનીને યાદ કોઈની ફૂટી હશે;
દીવાલ મારા ઘરની ક્યાં એમ જ તૂટી હશે?

    પ્રિયજનની પ્રત્યક્ષ ઉપસ્થિતિના અભાવમાં એની યાદ અત્યંત આશ્વાસક નીવડે. સાવ એકાકી અવસ્થા શુષ્કતા કે રૂક્ષતાને નોતરે, જ્યારે યાદોની ભીનાશ એ શુષ્કતાને ઓગાળે અને શાતાનો શીળો છંટકાવ કરે. આંખમાં ઊગતી-વાગતી સહરા સમી સહજ ભાવે એવી અપેક્ષા પ્રગટ કરે છે -
વાગી રહી છે આંખમાં કોરાશ ક્યારની,
તું યાદ એકાકી સજલ આપી શકે તો આપ.

    ક્યારેક સંતૃપ્ત એવી એકલતા અકળાવે, તો ક્યારેક વળી એકલતાનો હેમાળો હાડ પણ થીજવી દે. યાદ, એકલતાની આગને ઠારે અને થીજેલા હૈયાને ઓગાળે. યાદ એમ, શાતાનો અને ઉષ્માનો બંનેનો અનુભવ કરાવે. આંખમાં થીજી ગયેલા બર્ફને ઓગાળાવા માટે પણ, પ્રિયાની યાદની હૂંફ અકસીર ઇલાજ બની રહે. તેથી જ તો દૃઢ પ્રતીતિ સાથે કવિ એમ કહે -
હૂંફ તારી યાદની થોડીક જો મળશે પ્રિયે,
આંખમાં થીજી ગયેલો બર્ફ ઓગળશે પ્રિયે.

    યાદ, આમ, વિવિધ ભૂમિકા ભજવી શકે. અવલંબન પૂરું પાડતી યાદ, ક્યારેક આવરણનું કામ પણ કરે. યાદોને કારણે કેટલીકવાર આપણી પીડા ઉપર પડદો પડે અને પરિણામે અવસાદનો અંદાજ ન આવી શકે. યાદની બાઝેલી લીલ, આંખમાં છુપાયેલા આંસુનો અંદાજ ન આવવા દે એમ બને. એટલે જ તો કવિ, એવું તથ્ય પણ તારવે છે -
અંદાજ આંસુઓનો હમણાં આવશે નહીં,
બાઝી છે લીલ યાદની આંખોમાં થર થઈ.

    આજના બદલાતા સમયે માણસને પણ અંદર અને બહારથી બદલી નાખ્યો. સમયની કારમી કટોકટીમાં શ્વાસ લેતો માણસ, એને જાણ પણ ન થાય એવી રીતે ઘણુંબધું ગુમાવતો હોય. એવી વિષમ સ્થિતિમાં માણસે યાદની મહામૂલી મૂડી પણ ગુમાવી! સાંપ્રત સમય સંદર્ભમાં માણસને અનુભવાતી યાદની ઓટ અંગેનો અફસોસ પણ કવિ વ્યક્ત કરે છે -
કરું તો યાદ કરું કોને કોને હું 'બેદિલ',
સમયની સાથ ઘટી યાદની જણસ થોડી.

    યાદોની વનરાજી જીવતરને હરિયાળું બનાવે એ એક સ્થિતિ છે, તો ઝાડથી છૂટી પડેલી ડાળખીની માફક યાદને વહેરાવું પડે એ સ્થિતિ કરપીણતા જન્માવે છે. પ્રિયજનની ચર્ચાનો વિષાદ અને યાદની વિષમતાએ એકસાથે તાકીને કવિ બયાન કરે છે કે -
તું હવે એ રીતથી હમણાં બધે ચર્ચાય છે,
યાદ નામે સાવ સૂકી ડાળખી વ્હેરાય છે.

    યાદનું અવલંબન રાહત જન્માવે એટલે મોટે ભાગે તો યાદનો આશ્રય લેવાનું ગમે જ, પરંતુ કોઈ ચોક્કસ ભૂમિકાએ પહોંચીને કે પહોંચવા માટે કેટલાંક વળગણો ઉતારીને નિર્ભાર થવાનું પણ એટલું જ ગમે. આવા પ્રશ્નાર્થો સાથે કવિ એવી સ્થિતિની ખેવના કરે છે -
યાદનું પહેરણ ઉતારી જોઉં છું કૈં છે ખરું? જો હોય તો છોડી જવું છે;
આખરી વળગણ ઉતારી જોઉં છું કૈં છે ખરું? જો હોય તો છોડી જવું છે.
('ફૂલછાબ' : ૧૨, જૂન ૨૦૦૫, 'મધુશાલા')


0 comments


Leave comment