53.3 - નામ વગરનો રોગ... / અશોક ચાવડા 'બેદિલ' / અંકિત ત્રિવેદી


કૂંપળ બનીને યાદ કોઈની ફૂટી હશે;
દીવાલ મારા ઘરની ક્યાં એમ જ તૂટી હશે.
એ કારણે તો હાથ મારા લોહી લોહી છે,
મેં કાલ સપનામાં છબી તારી ઘૂંટી હશે.
પૂછ્યા કરે છે ફૂલની ડાળો લચી લચી,
કોણે ઉદાસી બાગમાં આવી ચૂંટી હશે.
બાકી હશે તારું સ્મરણ વિશ્વાસ છે મને,
છો તસ્કરોએ ઘરની સૌ મિલકત લૂંટી હશે.
તું શોખથી ભેટી શકત તારા મરણને પણ,
માનું છું તારી જિંદગી 'બેદિલ' ખૂટી હશે.
(પૃષ્ઠ-૨૭) ('પગલાં તળાવમાં')

     આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ કે નહીં એનું કારણ તપાસવું હોય તો આપણે એ વ્યક્તિને કેટલી વાર યાદ કરીએ છીએ એ જાણવું પડે. ઘણાં એવું કહેતા હોય છે કે યાદ તો એવી વ્યક્તિને કરાય જેને આપણે ભૂલી ગયા હોઈએ પણ એવું નથી. યાદ કરવા પાછળનું એક કારણ સાથે જીવેલા સમયને આપણી અંદર ફરીથી જિવાડવો. યાદ આવવું એટલે એ વ્યક્તિને આપણી આસપાસમાં અનુભવવી. યાદ ભલે કપરી, યાદ કરવી ન ગમે એવી હોય છતાંય અંદરખાને તો એ યાદ આપણને ગમતી જ હોય છે. યાદ આવવું એટલે મુલાયમ સહવાસની ક્ષણોને શક્ય નથી તોપણ આકાર આપવો. અહીં સીધેસીધું એમ નથી કહેવાયું કે 'હું ઝાડ છું', પણ કંઈક યાદ જેવું સળવળ્યું અને એના પરિણામે મારામાં કૂંપળ ફૂટી... સિમેન્ટ, કોંક્રીટના માણસમાં સંવેદના પડઘાય ત્યારે આવું બને. ગમતી યાદ ઘેરી વળે ત્યારે જ વૃક્ષનાં લાકડાંમાં કૂંપળ જેવી લાગણી ફૂટે...! ત્યારે જ કવિને 'હું ઝાડ છું' - એવું કહેવાનું અને ઝાડ બનવાનું મન થાય.

    બીજો શે'ર પણ કંઈક અલગ મિજાજનો છે. સપનામાં ઘૂંટેલી છબીને કારણે આજે હાથમાં લોહીની ટશરો ફૂટી છે. કોઈકને પ્રેમ કરવાની લાલચનું આ નગ્ન સત્ય છે. રાત્રે જે છબીને ઘૂંટી હતી એ છબી જ સવારે પોતાનો રંગ બદલે છે. રાત્રે જે કાગળ ઉપર આપણે ઘૂંટવાની ગોઠડી માંડી હતી સવારે એ કાગળ કોરોકટ નીકળે ત્યારે નિરાશાને નેવે મૂકીને નિરાશ થવું પડે છે. અલબત્ત, આ શે'રમાં છબી ઘૂંટવાની વાત ગળે ઊતરતી નથી. છબીને ઘૂંટાય નહીં ચિત્રને ઘૂંટાય. ચિત્ર ઘૂંટી શકાય પણ છબી ઘૂંટીએ તો વિચિત્ર લાગે...! અને હા, છબીને જો ઘૂંટવી હોય તો તેને હાથથી નહીં આંખથી જોતાં જોતાં ઘૂંટવી પડે ખરું ને!

    બાગમાં ગયા પછી પણ આપણે ઉદાસ થઈ જતા હોઈએ છીએ. આવી ઉદાસી આપણે કારણે ફૂલોને પણ વહોરવી પડે છે. આવી વ્યક્તિ ફૂલ ચૂંટતી હોય ત્યારે ફૂલોને પણ મજા નથી પડતી. ઉદાસ ચહેરે ચૂંટેલાં ફૂલ જલદી કરમાઈ જતા હોય છે. બાગની મોસમ બદલાઈ જાય છે. આ જ શે'રને બીજા સંદર્ભે પણ જોવા જેવો છે. કોઈક વ્યક્તિનું આગમન મોસમના પહેલા વરસાદ જેવું હોય છે. ફૂલની ડાળીઓ લચી લચીને એ વ્યક્તિ જ અમને ચૂંટે એવું કહેતી હોય એમ લાગે છે. બાગની ઉદાસીને એ વ્યક્તિ પોતાના સ્મિતમાં ઓગાળી નાખે છે. ઉદાસ થયેલાં ફૂલમાં એ વ્યક્તિ નવો જોમ પૂરતી હોય છે.

    આખું ઘર લૂંટાઈ જાય છતાંય એ ઘરમાં ઊજવેલા પ્રસંગો અને એ ઘર સાથે સંકળાયેલી યાદો આપણી પાસેથી કોઈ લૂંટી શકતું નથી. એ યાદો, સ્મરણ, પ્રસંગો આપણા મર્યા બાદ પણ જીવતાં હોય છે. આ બધું કોઈને લૂંટવું હોય તો પણ કેવી રીતે લૂંટે? ઘણી મિલકતના આપણે આજીવન માલિક હોઈએ છીએ. યાદ, સ્મરણ, પ્રસંગો – આ બધું એમાંનું છે.

    છેલ્લો શે'ર બેફામની શૈલી જેવો છે. મોત વિશે એમણે ખૂબ જ સુંદર શે'ર આપણને આપ્યા છે. આ શે'રમાં પણ આ કવિએ મોત વિશે વાત લખી છે. જિંદગી મોત સુધી ભેટવાનો પ્રયત્ન કરે છે ત્યાં સુધીમાં તો કોઈક શ્વાસને બંધ કરી દે છે. મોતની મંઝિલ સુધી પહોંચતામાં જિંદગીના ફુગ્ગામાંથી હવા નીકળી જાય છે અને આપણું 'હોવું' હવેથી લાશ બની જાય છે.

    અશોક ચાવડા 'બેદિલ' આપણી ગઝલનું નવું નામ છે. આ કવિ ગીતમાં પણ સભાનપણે કામ કરી રહ્યા છે. ગઝલની ઉદાસીને તેઓ પામી ગયા છે. આમેય ગઝલનો સ્થાયીભાવ ઉદાસી છે. અશોક ચાવડા ગઝલ લખતા નથી; એમની ગઝલ ઉપરથી એવું લાગે કે તેઓ ગઝલ ઘૂંટે છે. એમના જ એક શે'રથી આ લેખનો અંત કરું છું.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં.
('સમભાવ' : ૨૦, જૂન ૨૦૦૧, 'અંતરનાં ઊંડાણમાં')


0 comments


Leave comment