33 - આગ મૂકી છે / અશોક ચાવડા 'બેદિલ'
ગાઢ અંધારાંમહીં એ રાહ ચૂકી છે;
છત નથી ઘર પર અને વીજળી ઝબૂકી છે.
કોઈને ના દોષ દો મારા સળગવાનો,
મેં જ મારામાં સળગતી આગ મૂકી છે.
ક્યાં સુધી હું સાચવું નિષ્ફળ પ્રણયનું શબ?
આજ બાળી દઈ ચિતામાં રાખ ફૂંકી છે.
આપણે હીંચ્યાં હતાં જે ડાળ પર સાથે,
આવ જોવા તું હવે એ ડાળ સૂકી છે.
શ્વાસ હાંફ્યા છે હવે થોભો જરા 'બેદિલ',
જિંદગી લઈ ક્યાં જવાના? રાહ ટૂંકી છે.
0 comments
Leave comment