34 - લખી મોકલ / અશોક ચાવડા 'બેદિલ'
એકવેળા તું મને કાગળ લખી મોકલ;
સાવ કોરી આંખ છે વાદળ લખી મોકલ.
આંસુઓના નામ પર અટકળ લખી મોકલ;
ફૂલ જેવો પત્ર લે, ઝાકળ લખી મોકલ.
હું વિરહના અંધકારોમાં જ ભટકું છું,
રોશની જેવું કશું ઝળહળ લખી મોકલ.
ક્યાં સુધી વાંચ્યા કરું કાગળ અધૂરો હું?
જો સમય થોડો મળે આગળ લખી મોકલ.
રૂબરૂ આવી મળે 'બેદિલ' ઘરે તારા,
તું રહે છે જ્યાં મને એ સ્થળ લખી મોકલ.
0 comments
Leave comment