36 - સાચવું / અશોક ચાવડા 'બેદિલ'


આ હૃદયમંજૂષમાં વીતેલ હરક્ષણ સાચવું;
જખ્મ કોઈની નિશાની એ જ કારણ સાચવું.

એક બાજુ દર્દની કોઈ દવા ના, એમ છે,
હું વળી બીજી તરફ એનું નિવારણ સાચવું.

નાવ કાગળની વહાવી જે નદીમાં આપણે,
એ નદીને આંખમાં રાખીને બચપણ સાચવું.

સાચવું છું ક્યાં અમસ્તો હું તમારી ચૂંદડી?
ચૂંદડીની આડમાં હું એક ખાંપણ સાચવું.

આમ તો 'બેદિલ' ચહેરો આજ પણ અકબંધ છે,
કોણ જાણે તોય હું તૂટેલ દર્પણ સાચવું?


0 comments


Leave comment