37 - છે આ તરફ / અશોક ચાવડા 'બેદિલ'


છાપ પગલાંની હજી રસ્તા ઉપર છે આ તરફ;
એક મારું ઘર નથી તારુંય ઘર છે આ તરફ.

આ તરફ ઘોંઘાટ કરવાની મનાઈ છે હવા,
મૌન થઈ જા એક બાળકની કબર છે આ તરફ.

રોજ મારા નામની તખતી મૂકીને જાય છે,
કોણ આવે છે? ઉદાસીની અસર છે આ તરફ.

આજ સંબંધો પહેરી નીકળ્યો છું હું છતાં,
કોઈ ના મળતું મને? કેવું નગર છે આ તરફ.

ડૂસકાં હળવેકથી વધતાં રહ્યાં છે કોઈનાં,
કોઈ 'બેદિલ' આજ પણ મારા વગર છે આ તરફ.


0 comments


Leave comment