39 - ચર્ચાય છે / અશોક ચાવડા 'બેદિલ'


તું હવે એ રીતથી હમણાં બધે ચર્ચાય છે;
યાદ નામે સાવ સૂકી ડાળખી વ્હેરાય છે.

એક રેખા જે હતી તારી હવે એમાં નથી,
એ જ કારણસર હથેળી રોજ સળગાવાય છે.

તું મને ભૂલે નહીં તો શું કરે પણ આખરે,
આંખમાં ક્યાં રેતના કણ કોઈથી સચવાય છે?

ચાલ છૂટા થૈ જઈએ આટલેથી આપણે,
આ તરફ તારું નગર મારું નગર વંચાય છે.

જિંદગીની આદતો 'બેદિલ' હજી છૂટી નથી,
કોણ જાણે છું ચિતામાં તોય ચિંતા થાય છે.


0 comments


Leave comment