4 - હૃદયપૂર્વક / ગઝલપૂર્વક / ચિનુ મોદી `ઇર્શાદ'


    ગુજરાતીમાં વપરાશમાં છે: `હૃદયપૂર્વક'. આ શબ્દનું અંકિત ત્રિવેદી એના અનુસંધાને નવો શબ્દ યોજે છે: `ગઝલપૂર્વક'. આવું કવિકર્મ અપેક્ષિત હોય છે કવિતામાં અને ગઝલ એ કવિતાનો જ લાડકો પ્રકાર છે. ગઝલનો લાડકો અંકિત છે.

     રન-વે પર દોડતાં બધાં વાહન વિમાન નથી હોતાં. વાહનનાં ટેઇક-ઓફથી એ વિમાન સાબિત થાય છે. અંકિત કવિતાની પા-પા પગલી પાડતો હતો તે ક્ષણથી હું એનો સાક્ષી છું. – `ગઝલપૂર્વક' દ્વારા એ ટેઇક-ઓફ કરે છે. એના સમકાલીન કરતાં સંગ્રહ પ્રગટ કરવામાં એણે વધુ સમય લીધો છે, એટલે ઉડ્ડયનની પૂરતી શક્તિ પછી જે એ શબ્દનું આકાશ આંબવા ઉદ્યુક્ત થયો છે.

     અંકિત ત્રિવેદીમાં કેવળ કારયિત્રીપ્રતિભા નથી; એણે ભાવયિત્રીપ્રતિભા પણ સંપન્ન કરી છે. એણે ગુજરાતીના નાનામોટા ઘણા ગઝલકારોને કેવળ વાંચ્યા નથી, એમના મહત્ત્વના શેર યાદ પણ રાખ્યા છે. વાંચવું એ લખવા માટે અનિવાર્ય ભૂમિકા છે, તેની અંકિતને જાણ છે. જોકે મુશાયરાના સંચાલન માટે એને આ સજ્જતા ખપ પણ લાગી છે.

     અંકિત પાસે સરળ વાણી છે. વળી, પાછી એ પ્રવાહી પણ છે. એની પાસે શબ્દ સાંભળવાના કવિગત કાન પણ છે. એ પોતાની પ્રતિભા શબ્દ સાથે ચોંટેલા સંદર્ભને ભૂંસી, નવા શબ્દસંદર્ભમાં ઉપયોગમાં લે છે. આવું કવિકર્મ પાને પાને થયેલું છે. કેટલાક એમાંના શેર આ રહ્યા:
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
*
જોતજોતાંમાં જ મોટા થાય છે,
પડછાયાને મારાં કપડાં આવશે?
*
ખોબા જેવા છાંયડે બોલ્યો સમય,
તારે માટે બસ વીતેલી કાલ છે.
*
એ જ બીકે સ્વર્ગમાં જાવું નથી,
રોજની ઘટમાળ જેવું હોય પણ.
*
    આ બધા શેરમાં `ડાળીનો હિસ્સો', `પડછાયાને મારાં કપડાં', `ખોબા જેવડા છાંયડે', `સ્વર્ગ' અને `ઘટમાળ'ની સંનિધિ આ પૂર્વે થઈ છે ખરી? સાચો જવાબ આપજો સોગંદપૂર્વક.
– ચિનુ મોદી `ઇર્શાદ'


0 comments


Leave comment