16 - પાસે ન ક્યાંય હોય ને દેખાઈ જાય તું / અંકિત ત્રિવેદી


પાસે ન ક્યાંય હોય ને દેખાઈ જાય તું,
વહેતી હવાને એવું શું સમજાઈ જાય તું?

તારા દીધેલા ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી ખૂબીથી મ્હેકમાં ફેલાઈ જાય તું.

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઈ જાય તું.

મોજાંના ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભુલાઈ જાય તું.

કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં,
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું


0 comments


Leave comment