26 - વાય નહિ એવી હવા પર નામ લખવાનું / અંકિત ત્રિવેદી


વાય નહિ એવી હવા પર નામ લખવાનું,
બસ સમય વીતી જવા પર નામ લખવાનું.

ઓલવી નાંખ્યું હવે અજવાળું કારણ કે,
ખૂબ અઘરું છે દીવા પર નામ લખવાનું.

જા, હરણને પૂછજે એના જવાબો તું,
કઈ રીતે આ ઝાંઝવાં પર નામ લખવાનું?

નામ જે તારું લખીને ખૂબ થાક્યા છે,
ફાવશે એ ટેરવાં પર નામ લખવાનું?

આપણે જૂના થઈને રોજ કંટાળ્યા,
રોજ તોયે અવનવા પર નામ લખવાનું.


0 comments


Leave comment