28 - આંખ ને જીભના કરો સાટા / મનોજ ખંડેરિયા


આંખ ને જીભના કરો સાટા
દ્રશ્યના સ્વાદ છે તૂરા-ખાટા

ટ્રેન ચાલી ગયેલા સ્ટેશનના-
આપણે શાંત ને સૂના પાટા

આંખ ટપક્યા કરે તો શું કરવું
છત ચૂવે તો કરી શકો વાટા

ક્યાંથી દેખાડીએ સકલ સૃષ્ટિ
મુખ ઉપર દઈ દીધા અમે દાટા

કોણ મુજમાં વસે છે ના પૂછો
ખાલી ઘરમાં રહે છે સન્નાટા

આભ પર શું વીતે, તું શું જાણે
જયારે થાતી પતંગ હોકાટા

સ્વપ્ન ઊડે ન એથી વરસોથી-
એ સૂતો બાંધી આંખ પર પાટા

બે’ક પળ જીવી લઉં હથેળીમાં
પ્રથમ વરસાદના ઝીલી છાંટા

શબ્દ થાતા પસાર મારામાં,
વાંસમાંથી સરે છે સુસવાટા


0 comments


Leave comment