67 - પહેલી પૂણી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


પાશેરામાં પહેલી પૂણી;
   ધધખી ઊઠી ધૂણી રે :
  પાશેરામાં પહેલી પૂણી.

એક લગન લાગી ગઈ દિલમાં,
   લાગી શ્યામ સલૂણી રે;
જે દુનિયા રસ રંગ ભરેલી
   એ સળગી રહી ઊણી રે.
   પાશેરામાં પહેલી પૂણી.

ભીતરિયો દીદાર પલટીયો,
   બાહિર દુનિયા દૂણી રે;
ઓગળી હાલ્યું મનનું લોઢું
   તંબૂર તાંતું તૂણી રે.
   પાશેરામાં પહેલી પૂણી.

શુંય ઘડાશે ઘાટ નવેલો,
   જાણું નહીં પણ ઋણી રે;
ચીસ પડાવે તોય નભાવે,
   વાગે પ્રેમ પરૂણી રે.
   પાશેરામાં પહેલી પૂણી.

જ્યોત તણા ચમકારા ચમકે,
   કાય બને છે કૂણી રે;
એ જ અગમને પંથ અમલૂખ,
   ગાથ સરોદે સુણી રે.
   પાશેરામાં પહેલી પૂણી.


0 comments


Leave comment