68 - નાદ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
નાદ સૃષ્ટિનો દેહ,
કે વરસે અવિરત ધારે મેહ.
બુંદ સૃષ્ટિનું કામ શું મારે?
પડે દેહ છો ને અત્યારે;
શબ્દબ્રહ્મ સાથે બંધાયો
અવ આતમને નેહ, -
કે વરસે અવિરત ધારે મેહ.
રામનામની રટણા જાગી;
સ્થૂળ સુક્ષ્મ સહુ દીધાં ત્યાગી;
જીવત જાણે દીધી જલાવી
સચરાચરની ચેહ, -
કે વરસે અવિરત ધારે મેહ.
એક નાદ થઈ જગમાં ઘૂમૂં;
રામ રામ થઈ સહુને ચૂમું;
સકલ સૃષ્ટિ અવ આંગણ મારું,
હરિધામ મુજ ગેહ,-
કે વરસે અવિરત ધારે મેહ.
0 comments
Leave comment