69 - મેરામણ મોંઘા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


તરંગે તરંગ છે હઠીલા રે,
મેરામણ મોંઘા,
    કળી કેમ જાય તારી લીલા ?

તરંગે તરંગે અવનવ અવની બનાવે;
તરંગોએ તારાના વસીલા રે :
મેરામણ મોંઘા,
    કળી કેમ જાય તારી લીલા ?

તરંગે તરંગ જેવાં પશુ પંખી પ્રાણી;
હરતાં ને ફરતાં હરખીલાં રે :
મેરામણ મોંઘા,
    કળી કેમ જાય. તારી લીલા ?

મન ચિત્ત બુદ્ધિ એ તો ફરે ફીણ ફોરા;
નેણે ને વેણે નરતીલાં રે :
મેરામણ મોંઘા,
    કળી કેમ જાય. તારી લીલા ?

અહંકાર કેરાં મોજાં કરે ઘૂઘવાટા;
સોહં સલિલો છે રસીલાં રે :
મેરામણ મોંઘા,
    કળી કેમ જાય. તારી લીલા ?

સરોદે સુણ્યું જે તારા થયા મરજીવા -
મૌને ગળ્યા એ મરમીલા રે :
મેરામણ મોંઘા,
    કળી કેમ જાય. તારી લીલા ?


0 comments


Leave comment